Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાત સરકાર નાગરિકો પાસેથી અબજો રૂપિયા ટેક્સ વગેરેમાંથી પ્રાપ્ત કરી, વર્ષભર પ્રજાની તિજોરીમાં ઠાલવે છે. આ તિજોરીમાંથી તોતિંગ નાણું પગાર, પેન્શન અને વ્યાજ ચૂકવવા પાછળ ખર્ચ થઈ જતું હોય, વિકાસકામો અને કલ્યાણ યોજનાઓ પાછળ નાણાંનો ખર્ચ કરવામાં સરકારનો હાથ બંધાયેલો રહે છે.
વર્ષવાર આંકડા: સરકારે 2023-24 માં પગાર, પેન્શન અને વ્યાજ ચૂકવવામાં રૂ. 98,321 કરોડનો ખર્ચ કર્યો. વર્ષ 2024-25 એટલે કે, વર્તમાન નાણાંકીય વર્ષમાં સરકારનો આ ખર્ચ રૂ. 1,03,461 કરોડ રૂપિયા. અને, વર્ષ 2025-26 માં સરકારનો આ ખર્ચ રૂ. 1,13,206 કરોડને આંબી જશે. સરકારની અંદાજિત મહેસૂલી આવક રૂ. 2,51,000 કરોડ લેખવામાં આવે તો, આ આવક પૈકી 45 ટકા ખર્ચ- આ 3 બાબતો માટે થઈ રહ્યો છે.

પગાર, પેન્શન અને સરકારે લીધેલી લોન પરના વ્યાજના ચૂકવણાં એવી બાબતો છે કે, આ તમામ ખર્ચ ફરજિયાત છે. આ ખર્ચ ઘટાડી શકાતો નથી. આ ખર્ચ દર વર્ષે વધી રહ્યો છે. સરકાર વેરાઓ વગેરેની આવક દર વર્ષે વધુ પ્રમાણમાં મેળવી રહી છે પરંતુ આ 3 કામો પાછળ અબજો રૂપિયાનો ખર્ચ થતો હોય, ઐતિહાસિક અને મોટાં કદના લેખાવવામાં આવતાં બજેટની વધુમાં વધુ 55 ટકા રકમ જ વર્ષ દરમિયાન અન્ય બાબતોમાં ખર્ચ કરી શકાય છે. સરકાર પર પગાર, પેન્શન અને વ્યાજનું ભારણ સતત વધી રહ્યું છે, તેથી વિકાસકામો અને યોજનાઓ પર ખર્ચ કરવામાં સરકારે સતત વિચારવું પડતું હોય છે. આ ઉપરાંત સરકાર દ્વારા પ્રચાર માટે પણ કરોડો રૂપિયાનો ખર્ચ થતો રહે છે- આ બધાં ખર્ચ એવા છે, જેનાથી સરેરાશ નાગરિકને કોઈ જ ફાયદાઓ નથી, તિજોરી પર આ બધાં ખર્ચ એક અર્થમાં બોજ છે. અને વળી, ફરજિયાત પણ છે.