Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દ્વારકામાં હોળી – ફુલડોલ ઉત્સવ દરમિયાન જેમાં રાજ્યના તથા રાજ્ય બહારથી ભક્તો ટ્રેન, બસ, ખાનગી વાહનો દ્વારા સાથે મોટી સંખ્યામાં ભક્તો પગપાળા ચાલીને પણ દ્વારકા આવ્યા છે. ત્યારે ભક્તોની ભીડનો ગેરલાભ લઇને અમુક તસ્કરોની ટોળકીઓ, ખિસ્સાકાતરૂઓ ભીડમાં શામેલ થઈને મોબાઈલ તથા પૈસાની ચોરીના બનાવ પોલીસ સમક્ષ પહોંચતા પોલીસે વધુ સક્રિય થઈને આ ચોર ટોળકીને ઝડપી લઇને કાયદાનું ભાન કરાવ્યું હતું.
આ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ યાત્રાધામ દ્વારકામાં હાલમાં ફૂલડોલ ઉત્સવનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે હજારોની સંખ્યામાં દ્વારકાના જગત મંદિરમાં ભગવાન કાળીયા ઠાકોર સંગ હોળી રમવા આવેલા ભક્તોના ખીસ્સામાંથી રોકડ રકમ તથા મોબાઈલ ચોરીના કિસ્સા બનવા પામ્યા હતા. જે બાબતે દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા દ્વારકા જિલ્લાના એસ.પી. નિતેશ પાંડેય દ્વારા આપવામાં આવેલી સૂચનાને અનુલક્ષી ડીવાયએસપી સાગર રાઠોડની અધ્યક્ષતામાં આ ચોર ટોળકીને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી.

પોલીસ દ્વારા ખાનગીરાહે મળેલી બાતમીના આધારે તેમજ સ્પેશિયલ ટીમ બનાવી, સઘન કાર્યવાહી કરતા ગોંડલના રહીશ ખીમાણંદ કરમશી માવલીયા, ભરત કિશોરભાઈ ચાવડા, સાગર રાજુભાઈ સોલંકી, વિક્રમ ચંદુભાઈ રાઠોડ અને રવિ મનસુખભાઈ સોલંકી નામના પાંચ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ શખ્સોની આગવી ઢબે પૂછપરછ કરાતા તેઓએ અન્ય લોકોની સંડોવણી પણ જણાવી હતી
જેથી પોલીસની ટીમ દ્વારા ખંભાળિયા, જામનગર, તથા રાજકોટ જિલ્લાના રહેવાસી આ ખિસ્સા કાતરૂઓને ઝડપી લીધા હતા. જેમાં 28 જેટલા મહિલાઓ તથા પુરૂષોની વિધિવત રીતે ધરપકડ કરવામાં આવી હતી. અને તમામ આરોપીઓ વિરુદ્ધ અલગ અલગ ત્રણ ગુન્હા દાખલ કર્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ તમામ ખિસ્સકાતરૂઓ એક પરિવારના સ્વરૂપમાં આવ્યા હતા. એટલે કે મહિલાઓ બાલ બચ્ચાઓ સાથે આવ્યા હતા. જેથી પ્રાથમિક દ્રષ્ટીએ તેઓ દર્શનાર્થીઓ લાગે. દિવસ દરમિયાન આ લોકો ભીડમાં પૈસા, મોબાઈલની ચોરી કરીને રાત્રિના સમયે ચોરી કરેલ માલ છુપાવી નાખતા હતા. અને આ તમામ ખિસ્સા કાતરૂઓ ભક્તોની ભીડમાં ભક્તોની જેમ સામેલ થઈને આવી ચોરીને અંજામ આપતા હતા.પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી 12 મોબાઈલ, બાવીસ હજાર જેટલી રોકડ રકમ સહિત કુલ રૂપિયા 3,24,000નો મુદ્દામાલ કબજે કરી, આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.(તસ્વીર:કુંજન રાડિયા)
