Mysamachar.in-જામનગર:
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલમાં રહેલો RTIનો કાયદો ઉમદા છે. જેના વડે સરકારી સંસ્થાનોને પારદર્શી અને જવાબદેહ બનાવી શકવામાં મદદ મળે છે. પરંતુ આ કાયદાના સદુપયોગ કરતા દુરુપયોગ અંગેની બાબતો ચિંતાઓ ઉપજાવનારી હોય, ગુજરાત સરકાર આ ક્ષેત્રમાં ‘સાફસૂફી’ ચાહે છે અને ‘તોડબાજો’ ને ધોળે દિવસે તારા દેખાડી દેવામાં આવી રહ્યા છે.
RTIના કાયદાનો કેટલાંક લોકો ખોટો ઉપયોગ કરી રહ્યા છે. તોડબાજી કરી રહ્યા છે. બ્લેકમેલિંગ કરી રહ્યા છે. દાદાગીરી કરી રહ્યા છે. ધાકધમકીનું વાતાવરણ ઉભું કરી ભયનું સામ્રાજ્ય બનાવી રહ્યા છે. આ પ્રકારની વિવિધ ફરિયાદો અનુસંધાને રાજ્યમાં ‘આવા’ RTI કાર્યકરો વિરુદ્ધ 67 ગુનાઓ દાખલ થયા છે, જે પૈકી 38 ગુનાઓ એકલાં સુરત જિલ્લામાં દાખલ થયા છે. વિધાનસભામાં ગૃહરાજ્યમંત્રીએ એવી માહિતીઓ આપી કે, આગામી સમયમાં ACB અને પોલીસ દ્વારા રાજ્યના દરેક જિલ્લામાં સરકારી કચેરીઓમાં આવા તોડબાજોની યાદી તૈયાર કરવામાં આવશે અને તેમની વિરુદ્ધ કાર્યવાહીઓ હાથ ધરવામાં આવશે.

વિધાનસભામાં તેઓ બોલ્યા કે, સુરતમાં રહેણાંક તેમજ અન્ય બાંધકામ સંબંધે RTI અરજીઓની આડમાં નાણાં પડાવવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. આ પ્રકારના 24 ગુનાઓ દાખલ થયા છે. 25ની ધરપકડો થઈ છે. આ કડક પગલાંઓને કારણે કેટલાંક આવા તત્ત્વો કાં તો ભૂગર્ભમાં ઉતરી ગયા છે અથવા રાજ્ય છોડી ભાગી ગયા છે.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, હવે લાંચ રૂશવત વિરોધી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા દરેક જિલ્લાઓમાં સરકારી કચેરીઓમાં ખોટી રીતે આવી અરજીઓ કરી, તોડબાજી આચરતાં તત્વોની યાદી તૈયાર કરવામાં આવશે, આવા એક પણ તત્વને છોડવામાં આવશે નહીં અને આકરી કાર્યવાહીઓ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર શહેર અને જિલ્લામાં પણ RTI અરજીઓ એક મોટો વિષય અને ‘બિઝનેસ’ હોવાનું અત્યંત આધારભૂત સૂત્ર જણાવી રહ્યા છે.જેના પર પણ તવાઈ આવશે તેમ માનવામાં આવી રહ્યું છે.(ફાઈલ તસ્વીર)
