Mysamachar.in-જામનગર:
જામનગરના એક સામાજિક કાર્યકરે વીજતંત્રના એક કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવેલી, ત્યારબાદ આ કોન્ટ્રાક્ટરે આ સામાજિક કાર્યકર વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી. હવે મામલો ગરમાયો છે. કોઠીમાંથી કાદવ બહાર આવશે ? કે, સામસામી ફરિયાદનો આખરે ‘છેદ’ ઉડી જશે ? એવી ચર્ચાઓ શરૂ થઈ છે.
જામનગરના બેડી વિસ્તારમાં રહેતાં અને વીજતંત્રના કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતાં અનવરભાઈ ઈસ્માઈલભાઈ કુંગડાએ સામાજિક કાર્યકર કલ્પેશ આશાણી વિરુદ્ધ વળતી ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદીએ કહ્યું કે, વાલસુરા ફીડર સંબંધિત એક કામ બાબતે આરોપીએ ખોટી અરજી કરી છે અને ફરિયાદીને જાનથી મારી નાંખવા ધમકી આપી છે. ફરિયાદ અનુસાર, આ મામલો છઠ્ઠી માર્ચે લાલબંગલા પાસેની વીજતંત્રની કચેરી નજીક બનેલ હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.
