Mysamachar.in-જામનગર:
સૌરાષ્ટ્ર-કચ્છના વીજતંત્રમાં 2-3 દિવસથી ચોક્કસ પ્રકારના ઉઘરાણાં અંગેની એક ઓડિયો ક્લિપ વાયરલ છે, આ ક્લિપની તંત્ર દ્વારા તપાસ થઈ અને બાદમાં વીજતંત્રના 2 અધિકારીઓની આમાં સંડોવણી બહાર આવતાં, રાજકોટ કોર્પોરેટ ઓફિસે રાજકોટ અને ધ્રોલના એક અધિકારી અને એક ઈજનેરને આ મામલામાં સસ્પેન્ડ કરી દીધાં છે અને એમની બદલીઓના પણ ઓર્ડર થઈ ગયા.
મામલો એવો છે કે, વીજતંત્રમાં કોરોના સમય દરમિયાન ચાલુ ફરજે જે 54 કર્મચારીઓના કોરોનાથી મોત થયેલા તે પૈકી 48 કર્મચારીઓના વારસદારોને ગત્ સપ્તાહે રૂ. 25-25 લાખની સહાય મંજૂર કરવામાં આવી. ત્યારબાદ વીજતંત્રની રાજકોટ કોર્પોરેટ કચેરીના HR વિભાગના આસિસ્ટન્ટ સેક્રેટરી રૂપેશ મોદી અને જામનગર જિલ્લાના ધ્રોલ વીજસબડિવિઝનના નાયબ ઈજનેર કે.એન.આહિર દ્વારા રૂ. 10 લાખના ઉઘરાણાં સંબંધિત એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ. જે અનુસંધાને આ બે અધિકારીઓ પર ‘વીજળી’ ત્રાટકી.

સરકારે ઉપરોકત રૂ. 14 કરોડની સહાય મંજૂર કરી એ સંબંધે આ બે અધિકારીઓ મોદી-આહિર વચ્ચે જે વાતચીત થયેલી તેની ક્લિપ વાયરલ થઈ. એમાં એવી પણ વાત હતી કે, ધ્રોલમાં કોરોનામાં મૃત્યુ પામેલા કર્મચારીના પરિવારને રૂ. 25 લાખની સહાયના બદલામાં રૂ. 10 લાખ આપવાની માંગણી કરવામાં આવે છે. આ વાત ગઈકાલે સોમવારે તંત્રની બહાર સુધી પણ પહોંચી ગઈ હતી.
બાદમાં રૂપેશ મોદીને સસ્પેન્ડ કરી તાબડતોબ અંજાર બદલી કરી નાંખવામાં આવી. અને, કે.એન.આહિરને સસ્પેન્ડ કરી સુરેન્દ્રનગર બદલી કરી નાંખવામાં આવી. ત્યારબાદ રૂપેશ મોદીની બીજે જ દિવસે અંજારથી મોરબી બદલી કરી આપવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. આ સમગ્ર મામલે જામનગર વીજતંત્રના ચીફ હર્ષિત વ્યાસએ આજે Mysamachar.in સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, સમગ્ર મામલો રાજકોટથી ઓપરેટ થયો છે અને અમને માત્ર ટેલિફોનિક જાણ કરવામાં આવી છે, સત્તાવાર લેખિત વિગતો હવે રાજકોટથી આવશે.
આજે બપોરે પીજીવીસીએલ રાજકોટના એચ.આર.મેનેજર અવિનાશ કટારા જણાવે છે કે કેસ પતાવી આપવા માટે અધિકારીઓએ પરિવાર પાસે રૂપિયા માગ્યા હતા. રૂપિયા માગ્યા છે આપ્યા પણ નથી અને લીધા પણ નથી.
