Mysamachar.in-અમદાવાદ:
સોનાના મલાઈદાર ધંધામાં રહેલી કેટલીક મલાઈ પૈકી એક મલાઈ સરકારે હવે બંધ કરી. અને સરકારનું આ પગલું એસોસિએશનની રજૂઆત બાદ આવ્યું છે. અત્યાર સુધીમાં એક તરફ ધંધાર્થીઓએ અબજો રૂપિયાની મલાઈ તારવી લીધી, બીજી તરફ સરકારની તિજોરીમાં ડયૂટીની એટલી ઓછી આવક જમા થઈ.
આજથી આઠેક મહિના અગાઉ જ્વેલર્સના નેશનલ એસોસિએશન દ્વારા સરકારને પત્ર લખી એવી માંગ કરવામાં આવેલી કે, સોનાની જે કાયદેસર આયાત થઈ રહી છે તેમાં આયાતી માલમાં સોનાનું જે પ્રમાણ હોય તેના આધારે આયાત જકાત વસૂલવી જોઈએ.
સૂત્રના કથન મુજબ, પ્રમાણિક વેપારીઓ શુદ્ધ સોનું આયાત કરી તેના પર જકાત ચૂકવે છે. અને, કેટલાંક ધંધાર્થીઓ પ્લેટીનમની આડમાં મોટી માત્રામાં સોનું આયાત કરી, ઓછી જકાત ચૂકવી વધુ સોનું આયાત કરી લ્યે છે અને પછી વધારાનું સોનું નીચા ભાવે બજારમાં વેચાણ કરી નાંખે છે જેને કારણે પ્યોર ગોલ્ડ આયાત કરતાં વેપારીઓને બજારમાં કટ્ટર હરિફાઈની સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને કાયદાકીય જોગવાઈની છટકબારીનો લાભ લેનારાઓ ‘મલાઈ ‘ તારવી રહ્યા છે. આથી આ મલાઈ બંધ થવી જોઈએ એવો આડકતરો ઈશારો ખુદ એસોસિએશને આ પત્રમાં આપેલો. અને, એમ પણ કહેલું કે, આથી સરકારની તિજોરીમાં જકાતના ઓછાં નાણાં જમા થઈ રહ્યા છે. સરકારને નુકસાન થઈ રહ્યું છે.

એસોસિએશનના આ પત્રની આઠ મહિને હવે અસર થઈ. સરકારે ગઈકાલે બુધવારે નવો નિર્ણય જાહેર કર્યો. સરકારે પરિપત્રમાં કહ્યું કે, 99 ટકાથી ઓછી સ્યોરિટીવાળા પ્લેટીનમ એલોયની આયાત માટે હવે ધંધાર્થીઓએ ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ(DGFT)ની મંજૂરી લેવી પડશે. ટૂંકમાં, વાણિજય મંત્રાલય હસ્તક અત્યાર સુધી ગોલ્ડની જે આયાત આ છટકબારી સાથે ચાલતી હતી તેના પર હવે DGFTનું નિયંત્રણ આવી ગયું. હવે આયાતી સોના-પ્લેટીનમના મિકસબારની ટકાવારીની દ્રષ્ટિએ ખાસ ચકાસણીઓ થશે અને અત્યાર સુધી ચાલતો મલાઈનો ખેલ બંધ થશે. સરકારની તિજોરીમાં જકાતઆવક વધશે, એમ જાણકારો કહે છે.(પ્રતીકાત્મક તસ્વીર)