Mysamachar.in-ગાંધીનગર:
ઘણાં બધાં ધંધાર્થીઓ વાર્ષિક રૂ. 40 લાખથી ઓછું ટર્નઓવર ધરાવતાં હોય છે, આ ધંધાર્થીઓને GST નંબર લેવામાંથી મુક્તિ આપવામાં આવી છે. પરંતુ આ ધંધાર્થીઓ પણ જરૂર પડ્યે ઈ-વે બિલ બનાવી શકે તે માટેની વ્યવસ્થા GST પોર્ટલ પર શરૂ કરવામાં આવી છે.
ટ્રાન્સપોર્ટેશન દરમિયાન જે માલ સાથે ઈ-વે બિલ નથી હોતું તેવા કિસ્સાઓમાં, ચેકિંગ સમયે અધિકારીઓ માલ સાથે વાહન પણ જપ્ત કરી લ્યે છે. આ ઝંઝટથી બચવા હવે નાના ધંધાર્થીઓ પણ ઈ-વે બિલ બનાવી શકશે. દાખલા તરીકે કોઈ ધંધાર્થી GST નંબર ન ધરાવતાં હોય અને GST નંબર ધરાવતી પાર્ટીને માલ મોકલે છે ત્યારે માલ મોકલનાર ધંધાર્થી પોતાના મોબાઈલ નંબર પર OTP મેળવી તેની મદદથી પોર્ટલ પર જઈ ઈ-વે બિલ બનાવી શકશે અને માલ સાથે મોકલી શકશે. આમ કરવાથી રસ્તામાં ચેકિંગ દરમિયાન માલ જપ્ત થતો બચાવી શકાશે. જો કે નાનું ટર્નઓવર ધરાવતાં ધંધાર્થીઓને બહુ ઓછાં કિસ્સાઓમાં આવી જરૂરિયાત ઉભી થતી હોય છે. પરંતુ કરચોરી અટકાવવા આ મહત્ત્વપૂર્ણ પ્રયાસ છે.
