Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યમાં જૂનાગઢ કોર્પોરેશન સહિત મોટાભાગની પંચાયત પાલિકા ચૂંટણીઓમાં તાજેતરમાં ભગવો લહેરાયો છે. હવે રાજકીય પક્ષના પ્રતિક વિના લડાતી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાશે, આ માટેની સત્તાવાર તૈયારીઓ શરૂ થઈ છે. રાજ્યના ચૂંટણીપંચે તમામ જિલ્લાના ચૂંટણી અધિકારીઓ(કલેક્ટર)ને તથા તેમના મારફતે તમામ પ્રાંત અધિકારીઓને પત્ર પાઠવવામાં આવ્યો છે. ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ, મધ્યસત્ર ચૂંટણીઓ અને પેટા ચૂંટણીઓ એમ બધી જ વ્યવસ્થાઓ એકસાથે શરૂ થઈ છે. ગ્રામ પંચાયતોની આ ચૂંટણીઓ EVMના બદલે બેલેટ પેપરથી યોજી શકાય કે કેમ, તે દિશામાં પણ વિચારવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળે છે.

તારીખ 01-04-2022 થી તારીખ 31-03-2025 સુધીમાં મુદ્દત પૂર્ણ થતી હોય તેવી તમામ ગ્રામ પંચાયતો, વિભાજનવાળી પંચાયતો તથા મધ્યસત્ર ચૂંટણીઓ અને પેટા ચૂંટણીઓ ધરાવતી બધી જ પંચાયતોમાં આ ચૂંટણીઓ યોજાશે. મતદાન મથકોની મંજૂરીઓ માટેના તમામ કામો સમયસર પૂર્ણ કરી લેવા તાકીદ કરવામાં આવી છે. ચૂંટણીઓ માટેના અધિકારીઓની નિયુક્તિ અંગે પણ સૂચનાઓ આપવામાં આવી છે.(file image)