Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ હસ્તકની શાળાઓમાં કન્યાઓને સ્વરક્ષણ તાલીમ માટેની યોજના રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ યોજનાના નામથી સરકાર દ્વારા દરવર્ષે આપવામાં આવે છે, બે વર્ષ પૂર્વે આ યોજનામાં જામનગરમાં ગોબાચારી સામે આવતા ગતવર્ષે આ તાલીમ જામનગર જીલ્લામાં મોકૂફ રાખવામાં આવ્યા બાદ આ વર્ષે પણ અમલવારીને લઈને વધુ એક વખત વિવાદ થાય તો નવાઈ નહી કારણ કે આ તાલીમ અને તેને નજીકથી જાણનાર જાણકારો કહે છે કે યોગ્ય પ્રક્રિયાઓ અનુસર્યા વિના જ આ તાલીમને મોડે મોડે માત્ર ત્રણ તાલુકોમાં જ શરુ કરવામાં આવી..ત્યારે નિયત સમયગાળામાં આ તાલીમ પૂર્ણ તો નહિ જ થાય તે વાત નિશ્ચિત છે, કારણ કે જીલ્લાના છ તાલુકામાંથી માત્ર ત્રણ તાલુકામાં માંડ થોડી ઘણી તાલીમ શરુ થઇ છે તો જીલ્લાના અન્ય ત્રણ તાલુકાઓ અને જામનગર શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની 26 શાળાઓની દીકરીઓને આવી તાલીમ મળશે કે કેમ તે પણ સવાલ છે.

વધુમાં જાણવા મળી રહ્યા મુજબ ઝેમ પોર્ટલ પર અથવા તો અલગ અલગ પાર્ટીઓને બોલાવી પસંદગી કરવાને બદલે એક જ પાર્ટીને આ કામગીરી સોંપવામાં આવી હોય વિવાદના એંધાણ સર્જાય તેવી ભીતિ પણ છે, આ સમગ્ર પ્રક્રિયા અંગે જીલ્લા પ્રાથમિક શિક્ષણઅધિકારી વિપુલ મહેતા માત્ર સુરક્ષા સેતુ સોસાયટી સાથે જોડાયેલ હોય તેવી એજન્સીને કામગીરી સોંપવા સિવાય કોઈ બાબતને અનુસરવા ના માગતા હોય તેવો રાગાલાપ આપી રહ્યા છે અને તમામ બાબતો સરકારના પરિપત્ર મુજબ થયાની વાત કરે છે, તો માત્ર ૮૦ ટ્રેનર સમગ્ર જીલ્લામાં ક્યારે તાલીમ ક્યારે પૂર્ણ કરાવશે તે પણ સવાલ છે
તો બીજી તરફ જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાશનાધિકારી ફાલ્ગુની પટેલે સ્પષ્ટ કર્યું કે આવી તાલીમ અમારી એટલે કે શહેરની ૨૬ શાળામાં કરવાની હોય પણ આ અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કે જામનગર મહાનગરપાલિકાને એજન્સી કે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા કોઈ લેખિત જાણ જ કરવામાં ના આવતા આ તાલીમ શહેરની શાળાઓમાં શરુ થઇ નથી મતલબ સ્પષ્ટ છે કે કઈક કાચું કપાયું છે..
આમ હવે આ સ્વરક્ષણની તાલીમથી જામનગરમાં બે વર્ષ પૂર્વે થયેલ વિવાદોનું પુનરાવર્તન થશે કે કેમ તે જોવાનું છે, ત્યારે આ મામલે વધુ ઘેરો બને તે પૂર્વે જ સરકારના શિક્ષણ વિભાગે આ અંગે તટસ્થ તપાસ કરી સરકારના ઉમદા હેતુ મુજબ દીકરીઓને આવી સ્વ રક્ષણ તાલીમથી વંચિત ના રહે તેવી ઘટતી કાર્યવાહી કરવી જોઈએ.
