Mysamachar.in-ગાંધીનગર:
તમારે શહેરની કોઈ પણ નોંધાયેલી રહેણાંક સોસાયટીમાં ફ્લેટ કે ટેનામેન્ટ અથવા બંગલો ખરીદવો હોય ત્યારે, તમારે તે સોસાયટીના નિયમો અનુસાર અત્યાર સુધી લાખો રૂપિયા ટ્રાન્સફર ફી પેટે ચૂકવવા પડતાં હતાં, સોસાયટીના સંચાલક એસોસિએશન દ્વારા વિકાસચાર્જ અને દાન જેવા ઓઠાં હેઠળ આ નાણાં વસૂલવામાં આવતાં હતાં. હવે, એસોસિએશનોની આ મનમાની બંધ.
અત્રે ઉલ્લેખનિય છે કે, રહેણાંક સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ મુજબ, જામનગર સહિત રાજ્યભરમાં દર વર્ષે 1,500-2,000 જેટલી સોસાયટીઝ રજિસ્ટર્ડ થઈ રહી છે. અને, આવી સોસાયટીઝમાં દરરોજ હજારો લોકો મકાનો ખરીદતાં હોય છે, આ સમયે એસોસિએશન મકાન ખરીદનાર પાસેથી ટ્રાન્સફર ફી તરીકે લાખો રૂપિયા વસૂલતું હોય છે.

સરકારે વર્ષ 2024માં આ માટે વિધાનસભામાં સુધારા બિલ મંજૂર કરાવેલું. આ બિલ મંજૂર થયાના એક વર્ષ પછી હવે સરકારે આ અંગે ગેઝેટ મારફતે નોટિફિકેશન બહાર પાડ્યું છે. જે મુજબ હવેથી આ મિલકતના દસ્તાવેજની રકમના 0.5 ટકા અથવા રૂ.1,00,000 બેમાંથી જે રકમ ઓછી હોય તે રકમ જ ટ્રાન્સફર ફી તરીકે વસૂલી શકાશે. આમ હવે તમે ટ્રાન્સફર ફી કોઈ પણ કિસ્સામાં રૂ. 1 લાખથી વધશે નહીં, મિલકતનો દસ્તાવેજ ગમે તે રકમનો હોય. અને, સાથેસાથે એ પણ સુધારો કરવામાં આવ્યો છે કે, સંબંધિત મિલકત જો કાનૂની વારસદારના નામે ટ્રાન્સફર થઈ રહી છે તો, તેની પાસેથી ટ્રાન્સફર ફી ના નામે એક પણ રૂપિયો, સોસાયટી એસોસિએશન વસૂલી શકશે નહીં.