Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાતમાં શું ચાલી રહ્યું છે ? ગુજરાતીઓને આટલાં મોટાં પ્રમાણમાં, રોજેરોજ કોણ છેતરી રહ્યું છે ? આ પ્રકારના ઠગબાજોને ઝડપી લેવામાં તંત્રોને સફળતા શા માટે નથી મળતી ? સ્થાનિક સ્તરે અને બેંકોમાં આ ગઠિયાઓને કોની, કેટલાં પ્રમાણમાં મદદો મળી રહી છે ? આ પ્રકારના અસંખ્ય પ્રશ્નો સપાટી પર નાચી રહ્યા છે, જેનો જવાબ કોઈ પાસે નથી ! તમને જાણીને નવાઈ લાગશે પણ હકીકત એ છે કે, ગુજરાતમાં રોજ 24 કલાકમાં 424 લોકોને સાયબર ગઠિયાઓ છેતરી રહ્યા હોવાનું સરકારી ચોપડે ચડે છે. અને, જે ફરિયાદો હેલ્પલાઇન કે સાયબર ક્રાઈમ બ્રાંચ સુધી ન પહોંચતી હોય, એ અલગ !
સરકારનો ખુદનો આંકડો કહે છે કે, વર્ષ 2025ના પ્રથમ 58 દિવસ દરમિયાન ગુજરાત પોલીસની સાયબર ક્રાઈમ હેલ્પલાઇન પર કુલ 24,599 ફરિયાદ દાખલ થઈ. એટલે કે, દરરોજ 424 ફરિયાદ. આ ખતરાની ઘંટડી છે. રાજ્યભરમાં હેલ્પલાઇન નંબર 1930ની જાહેરાતો થઈ રહી છે પરંતુ હકીકત એ રહી છે કે, સાયબર ક્રાઈમ અટકાવવામાં કે ઘટાડવામાં સાયબર ક્રાઈમ સેલ સફળ રહ્યું નથી.

ગુજરાતીઓને નાણાં રોકી, નાણાંનો ગુણાકાર કરી, રાતોરાત કરોડપતિ બનવું છે. આપણી આ ધંધાદારી માનસિકતાનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે સાયબર ગઠિયાઓ. ગઠિયાઓ ગુજરાતીઓ સાથે નોંધપાત્ર પ્રમાણમાં આર્થિક છેતરપિંડીઓ કરી રહ્યા છે. કરોડપતિ બનવાની લાલચમાં તથા વધુ વળતર મેળવવાના લોભમાં ગુજરાતીઓ છેતરપિંડીઓનો ભોગ બની રહ્યા છે.
નાણાંકીય રોકાણમાં મોટું વળતર મેળવવાની લાલચ તથા રોમાન્સ કરતાં ફેક IDના માધ્યમથી હજારો ગુજરાતીઓને લૂંટવામાં આવી રહ્યા છે. જાગૃતિ માટેની આટલી ઝુંબેશ તથા આ પ્રકારના સમાચારો આટલાં પ્રમાણમાં જાહેર થતાં હોવા છતાંયે ‘ભોળા’ ગુજરાતીઓ ઠગબાજોની જાળમાં ફસાઈ રહ્યા છે. આ એક અચરજ નથી ?! શેરબજારમાં જે નામનો શેર અસ્તિત્વ જ ધરાવતો ન હોય, એવા શેરમાં મોટાં વળતરની લાલચ ગઠિયાઓ આપી રહ્યા છે અને લાલચુ લોકો આ કાંડમાં ભોગ બની રહ્યા છે. સ્પીડ મની ભેગા કરી લેવાની ગુજરાતીઓની આ માનસિકતા ઠગબાજો સારી રીતે જાણે છે.

આ ઉપરાંત વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ પર ઈ-શોપિંગની બનાવટી જાહેરાતો, આકર્ષક અને ખોટાં પ્રલોભન અને છેવટે ‘આ જા ફસા જા’ નો ખેલ. આ પ્રકારના ખેલમાં પણ મહિલાઓ સહિતના લોકો છેતરપિંડીઓનો ભોગ બની રહ્યા છે. વિવિધ સરકારી યોજનાઓ સંબંધિત બોગસ જાહેરાતોના માધ્યમથી પણ છેતરપિંડીઓ થઈ રહી છે. આ ઉપરાંત ડિજિટલ એરેસ્ટ જેવી બાબતોમાં ખંડણી વસૂલવાના મામલાઓ વગેરેમાં પણ ઘણાં લોકો રીતસર લૂંટાઈ રહ્યા છે ! લોકો આટલો બધો ડર શા માટે અનુભવી રહ્યા છે ?! લોકો આ બાબત અંગે તાકીદે સંબંધિત પોલીસ અધિકારીઓનો સંપર્ક શા માટે નથી કરતાં ? લોકોના પેટમાં પાપ હોય છે ?! આ ઉપરાંત પ્રવાસ માટે ટિકિટ કે હોટેલ બુકિંગ તથા ફિલ્મ ટિકિટ બુકિંગ જેવી બાબતોની આડમાં પણ ઓનલાઈન છેતરપિંડીઓ થઈ રહી છે. લોકોએ આવી છેતરપિંડીઓથી બચવા જાગૃત રહેવું જ પડશે કેમ કે ઓનલાઈન છેતરપિંડીઓનું નેટવર્ક બહુ મોટું છે. અને કોઈ પણ વ્યક્તિ તમારી સાથે ઓનલાઈન કોઈ પણ માહિતીઓ કે વિગતો શેર કરે- બધું જ વેરીફાઈ કરો. આંખો અને મગજ ખુલ્લા રાખો.