Mysamachar.in-જામનગર:
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે શનિવારે સાંજે જામનગર આવી રહ્યા છે અને અહીં તેઓ રાત્રિરોકાણ કરશે. રવિવારે તેઓ રિલાયન્સના વનતારાની મુલાકાત પણ લેશે. વડાપ્રધાનના આગમન અને કાર્યક્રમ સહિતની બધી જ સત્તાવાર વિગતો સ્થાનિક સ્તરે આજે સવારે જાહેર થઇ છે.
આધારભૂત સૂત્રના કહેવા અનુસાર, વડાપ્રધાનનું વિમાન શનિવારે સાંજે એરફોર્સ સ્ટેશન ખાતે ઉતરાણ કરશે. ત્યારબાદ તેઓ જામનગરના લાલ બંગલા સંકુલમાં આવેલાં સર્કીટહાઉસ ખાતે પહોંચશે, જ્યાં તેઓ રાત્રિરોકાણ કરશે. બીજે દિવસે સવારે એટલે કે, રવિવારે વડાપ્રધાન રિલાયન્સ ખાતે આવેલાં વનતારાની મુલાકાત લેશે.

વનતારાની મુલાકાત બાદ રવિવારે 2 માર્ચના દિવસે વડાપ્રધાન ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસ માટે પ્રયાણ કરશે. વડાપ્રધાનના જામનગર આગમનના અનુસંધાને સલામતીના કારણોસર શહેરના દિગ્જામ સર્કલથી પાયલોટ બંગલા સુધી તથા લાલ બંગલા સંકુલ વિસ્તારમાં બેરીકેડ વગેરેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. દરમિયાન, આજે શુક્રવારે સવારથી વડાપ્રધાનના રૂટ પર હોમગાર્ડ્ઝ કર્મચારીઓ, પોલીસકર્મીઓ અને મહાનગરપાલિકાના હંગામી કર્મચારીઓ કે જે રખડતાં પશુઓ રોડ પર ન આવી જાય તેનું ધ્યાન રાખે છે, તે કર્મચારીઓને પણ કામે લગાડવામાં આવ્યા છે. જિલ્લા વહીવટીતંત્ર, મહાનગરપાલિકા અને પોલીસ સહિતના વિભાગો આ બધી તૈયારીઓ માટે સંકલનમાં વ્યસ્ત છે. લાલબંગલા સંકુલમાં અત્યારે રંગરોગાન પણ કરવામાં આવી રહ્યું છે.
