Mysamachar.in-ગાંધીનગર:
નવા શૈક્ષણિક સત્ર અને વર્ષ 2025-26 ના આગામી જૂનથી, રાજ્યમાં ધોરણ 1 થી 12 ના પાઠય પુસ્તકોમાં કેટલાંક ફેરફારો અમલમાં મૂકવામાં આવશે. આ ફેરફારો નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ અંતર્ગત જાહેર કરવામાં આવ્યા છે. આગામી જૂનથી, ધોરણ 1 ઉપરાંત ધોરણ 6 થી 8 અને ધોરણ 12ના કેટલાંક પુસ્તકોમાં ફેરફારો આવશે. સિલેબસના આ ફેરફારનો નિર્ણય રાજ્યના શાળા પાઠય પુસ્તક મંડળ દ્વારા લેવામાં આવે છે. મંડળે એક પરિપત્રમાં જાહેર કર્યું કે, ધોરણ 1 માં ગુજરાતી વિષય તથા ધોરણ 6 માં અંગ્રેજી વિષયનો અભ્યાસક્રમ બદલવામાં આવ્યો છે.
આ ઉપરાંત મંડળ લખે છે: ધોરણ 7 ના સંસ્કૃત માધ્યમમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સર્વાંગી શિક્ષણ, સંસ્કૃત અને મરાઠી વિષયના અભ્યાસક્રમ બદલવામાં આવ્યા છે. આ સાથે ધોરણ 8 માં ગુજરાતી, ગણિત અને વિજ્ઞાનના અભ્યાસક્રમ બદલાયા છે. શાળા પાઠય પુસ્તક મંડળની આ યાદીમાં વધુમાં જણાવાયું છે કે, ધોરણ 12ના અર્થશાસ્ત્રના પુસ્તકમાં કેટલાંક નવા પ્રકરણનો સમાવેશ કરવામાં આવ્યો છે.(પ્રતીકાત્મક તસ્વીર)
