Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લામાં શિક્ષણના હબ તરીકે પંકાયેલા ધ્રોલના એક કન્યા છાત્રાલયમાં આજથી આશરે એક વર્ષ અગાઉ એક જોરદાર બબાલ થયેલી. આ મામલાને આમ તો ઠંડો પાડી દેવામાં આવેલો પરંતુ હવે આ મામલો ફરિયાદી છાત્રાની તરફેણમાં આગળ વધશે કારણ કે અદાલતે પોલીસને તપાસનો આદેશ કર્યો છે.
ધ્રોલના જી.એમ.પટેલ કન્યા છાત્રાલયમાં એક છાત્રાને માર મારવામાં આવેલો અને તેણીને અપશબ્દો કહી જાનથી મારી નાંખવાની ધમકી પણ આપવામાં આવેલી- એવું ગત્ માર્ચ માસ દરમિયાન બહાર આવેલું. આ મામલે કડવા પટેલ કેળવણી મંડળ સંચાલિત જી.એમ.પટેલ કન્યા વિદ્યાલય કેમ્પસના મદદનીશ કેમ્પસ ડાયરેક્ટર જયંતિભાઈ રવજીભાઈ કગથરાને ગત્ 12-03-2024ના દિને તેના પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. 09-03-2024ના દિવસે આ કન્યા છાત્રાલયની છાત્રાઓ મેદાનમાં આવેલાં એક આંબલીના ઝાડમાંથી કાતરા ઉતારતી હતી. આ સમયે ત્યાં પહોંચી ગયેલાં જયંતિભાઈ રવજીભાઈ કગથરાએ ચંપલનો છૂટો ઘા છાત્રાઓ તરફ ફેંક્યો હતો. બાદમાં આ પદાધિકારીએ હોસ્ટેલમાં જઈ એક છાત્રાને થપ્પડો મારેલી, અપશબ્દો કહ્યા હતાં અને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપેલી એવી વિગતો બહાર આવી હતી.

આ બનાવ અંગે 12-03-2024ના દિને ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવેલી. 20-03-2024ના દિવસે જામનગર SPને ફરિયાદ કરવામાં આવેલી. આમ છતાં ધ્રોલ પોલીસ દ્વારા આ બાબતે કોઈ જ કાર્યવાહીઓ થઈ ન હતી. આથી નાછૂટકે ફરિયાદીએ ધ્રોલ અદાલતનો આશરો લીધો. આ ફરિયાદની હકીકતો અને રજૂ થયેલાં કાગળો ધ્યાન પર લઈ અદાલતે જવાબદાર પોલીસ અધિકારીને આ અંગેનો તપાસ રિપોર્ટ સાથે રાખી અદાલતમાં રૂબરૂ હાજર રહેવા આદેશ આપ્યો. આ પ્રકરણની સુનાવણી ધ્રોલ અદાલતમાં આગામી 1 માર્ચના દિવસે થશે.