Mysamachar.in-જામનગર:
જામનગર સહિતનું સમગ્ર સૌરાષ્ટ્ર એટલે કે કાઠિયાવાડ સવાર સાંજ ગરમાગરમ નાસ્તો આરોગવાનું શોખીન છે. લાખો લોકો આ નાસ્તો અખબારોની પસ્તી પર ઝાપટતાં જોવા મળે છે. આ એક અતિ ગંભીર મામલો છે. જામનગરમાં તંત્ર વધુ એક વખત, નગરજનોના આરોગ્યને ધ્યાન પર રાખી આવા ધંધાર્થીઓ પર ત્રાટકશે.
જામનગર શહેરમાં ગાંઠિયા અને ઘૂઘરા તેમજ સમોસા અને ભેળ સહિતની ચીજો ઘણાં બધાં ધંધાર્થીઓ દ્વારા ગ્રાહકોને અખબારોની પસ્તીમાં પીરસવામાં આવે છે. આ પ્રકારના ધંધાર્થીઓ તમારાં આરોગ્ય પર જોખમ ઉભું કરે છે- આ હકીકત સમજી ગ્રાહકોએ આવા ધંધાર્થીઓના સ્થળે નાસ્તો કરવા જવું જ ન જોઈએ. તો જ આ ધંધાર્થીઓ સુધરશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, મહાનગરપાલિકાની ફૂડ શાખા પસ્તીમાં નાસ્તો બંધ કરાવવા અવારનવાર ડ્રાઇવ પણ યોજે છે. આવા ધંધાર્થીઓને ત્યાંથી બધી જ પસ્તી કબજે કરી લ્યે છે, આમ છતાં આ ધંધાર્થીઓ ફરીથી ગ્રાહકોને પસ્તીમાં નાસ્તો આપવાનું શરૂ કરી દે છે. ગ્રાહકે પોતાના આરોગ્યની જાતે ચિંતા કરી આવા ધંધાર્થીઓનો બહિષ્કાર કરવો જોઈએ.

આ પ્રકારના નાસ્તામાં ગાંઠિયા સાથે આપવામાં આવતાં પપૈયાના ખમણના પ્રવાહી સાથે તથા ઘૂઘરા વગેરેની ચટણીઓ સાથે, ગ્રાહકના શરીરમાં પસ્તીની ઝેરી શાહી ભળી જતી હોય છે અને કેન્સર તથા પથરી સહિતના રોગો આ ઝેરી શાહીથી થઈ શકતાં હોય છે. ધંધાર્થીઓ તથા ગ્રાહકોએ આ ગંભીર બાબતની નોંધ લેવી જોઈએ.
ઘણાં ધંધાર્થીઓ ગાંઠિયા, ઘૂઘરા તથા સમોસા વગેરે સ્ટીલ પ્લેટમાં આપતાં હોય છે. ઘણાં ધંધાર્થીઓ વડા પાંઉ અને સમોસા તથા દાબેલી બ્રેડ જેવી ખાદ્ય ચીજો ખાખી કાગળની કોથળીમાં આપતાં હોય છે. આ ચલણ વધવું જોઈએ. પસ્તીનો ઉપયોગ કરતાં ધંધાર્થીઓ પર તંત્રએ કાયમી રીતે તૂટી પડી એમને ખો ભૂલાવી દેવી જોઈએ. આ ઉપરાંત ગ્રાહકોએ પણ ખુદના આરોગ્યની સંભાળ રાખી, પસ્તીનો ઉપયોગ કરતાં ધંધાર્થીઓને ત્યાં નાસ્તો કરવા ન જવું- એવી ચોકસાઈ કેળવવી જોઈએ. કારણ કે, આ મામલો દેખાય છે સામાન્ય પણ અતિ ગંભીર બાબત છે. પસ્તીની શાહી એલર્જી અને ચામડીના રોગ જેવી ગંભીર બિમારીઓ પણ નોતરી શકે છે, જે અત્રે ઉલ્લેખનિય છે.
