Mysamachar.in-ગાંધીનગર:
વિધાનસભા ગૃહમાં રાજકોટની ખાનગી મેટરનીટી હોમમાં મહિલા દર્દીઓની સારવારના સી.સી.ટી.વી. વિડીયો વાયરલ થવાની ઘટના સંદર્ભે જાહેર અગત્યની બાબત પર જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યુ કે, આ હેકર્સ દેશના હજારો કેમેરાઓ હેક કરીને એક દેશ વ્યાપી ષડયંત્ર કરે તે પહેલા જ આપણી ગુજરાત પોલીસે આ રેકેટના મુળ સુધી પહોંચીને મુખ્ય સુત્રધારોને પકડીને આ ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે.
ટેક્નોલોજીના આ યુગમાં સામાન્ય બેદરકારી પણ બહુ મોટુ નુક્શાન કરી શકે છે ત્યારે સીસીટીવી કેમેરા સાથે જોડેલા વાઇફાઇનો ઓપન કે વીક પાસવર્ડ તથા નબળા સિક્યુરીટી સેટીંગ હેકર્સ માટે વિડીયો હેક કરવા આસાન કરી દે છે. ટેક્નોલોજીની કેટલીક એરરનો આવા તત્વો લાભ લેતા હોય છે.
તા.૧૭મી ફેબ્રુઆરી-૨૦૨૫ના રોજ સાંજે ટેલિગ્રામ ગ્રુપમાં કોઇ હોસ્પીટલ, રૂમના સ્ત્રી દર્દીના ઇંજેકશન અને એકઝામીનેશનને લગતા વિડીયો અપલોડ થયાની બાબત ધ્યાને આવતા મહિલાઓની સુરક્ષાની ગંભીરતા લઇને તાત્કાલિક અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં સામેથી પોલીસે ફરીયાદી બનીને એફ આઇ આર દાખલ કરી હતી. તપાસમાં રાજકોટનો બનાવ હોવાની બાબત ધ્યાને આવતા ટીમ મોકલીને તાત્કાલીક એનાલીસીસ કરાવી લેવાયુ.

પોલીસે કરેલી બારીક તપાસ અંગે મંત્રીએ ઉમેર્યુ કે, ગુજરાત પોલીસે આ ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરીને પોતે એક ગ્રાહકની માફક ટેલિગ્રામ ગ્રુપના સભ્ય બનીને તે ગ્રુપમાં જોડાઈને એકત્ર કરેલી માહિતીને આધારે મુખ્ય સુત્રધારો સુધી પહોંચી પોલીસે મહારાષ્ટ્રના સાંગલી, લાતુર અને યુ.પીના પ્રયાગરાજ અલગ-અલગ ટીમો મોકલીને ૩ હજાર કિ.મી દૂરથી આરોપીઓને ૪૮ કલાકમાં દબોચી લીધા. એટલુ જ નહિ, સીસીટીવી લીકેજ કેસોમાં સૌ પ્રથમ વખત સાયબર ટેરરીઝમની કલમ ઉમેરનાર ગુજરાત સૌ પ્રથમ રાજ્ય છે. રાજ્ય સરકાર દ્વારા આ કેસમાં સ્પે.પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂંક કરી ડે ટૂ ડે કેસ ચાલે તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા પણ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
સીસીટીવી હેક કરનાર આ આરોપીઓ યુરોપીયન દેશો એટલાન્ટા, રોમાનીયા, જ્યોર્જીયા, જાપાન જેવા દેશોના VPN ( Virtual Private Network ) નો ઉપયોગ કરીને પોતાની ઓળખ છુપાવતા હતા. ટેલીગ્રામ ગૃપમા આ લોકો ૨૨ અલગ અલગ ચેનલ ચલાવતા હતા અને અશ્લીલ વીડીયોના મેનુ કાર્ડ ગૃપમા રાખતા હતા.
બે મુખ્ય હેકર્સે આશરે ૫૦ હજાર કરતા વધારે સીસીટીવી છેલ્લા આઠ મહીનામાં હેક કર્યા છે, આ વિડીયોઝ ભારતના તમામ રાજ્યના હતા. જેમા કોર્પોરેટ ઓફીસ, સ્કુલ, કોલજ, મૂવી થીયેટર તથા ઘરના અંગત વિડીયોઝ આ લોકોએ હેક કર્યા છે. પોલીસે તમામ આરોપીના બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કર્યા છે, ટેલીગ્રામ ચેનલ કે જેમા તમામ ગેરકાયદેસર પ્રવૃતિ ચાલે છે તેને પણ નોટીસ આપી છે. તમામ સોશ્યલ મીડીયા ચેનલને આવા વિડીયો ન મૂકવા અને મૂક્યા હોય તો દૂર કરવા નોટીસ આપી છે.(પ્રતીકાત્મક તસ્વીર)
