Mysamachar.in-અમદાવાદ:
નબળી રોગપ્રતિકારક શક્તિ, ખાનપાનની અયોગ્ય આદતો, વાયુ પ્રદૂષણ તથા ઠંડીનું પ્રમાણ- જેવા કારણોસર તાજેતરમાં પૂર્ણ થયેલાં શિયાળા સહિત, આગલા વર્ષની સરખામણીએ વર્ષ 2024માં રાજ્યમાં શ્વાસ અને હ્રદય સંબંધિત રોગોની સંખ્યામાં વધારો નોંધાયો છે. લાખો લોકો ખાનગી હોસ્પિટલોમાં પણ સારવાર લેતાં હોય છે, એ અલગ. સરકારી હોસ્પિટલોના આંકડા પણ મોટા છે.
ગુજરાતમાં આગલા વર્ષની સરખામણીએ 2024માં હ્રદય સંબંધિત રોગના રોગીઓની સંખ્યામાં 18.89 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. આ જ રીતે શ્વાસ સંબંધિત રોગીઓની સંખ્યામાં પણ 16.30 ટકાનો વૃધ્ધિદર નોંધાયો છે, જે ચિંતાપ્રેરક કહી શકાય.

દોઢ મહિનાના આંકડા પણ મોટા છે. ગત્ વર્ષની સરખામણીએ આ વર્ષે 1 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધીમાં 108ને મળતાં ઈમરજન્સી કોલની સંખ્યામાં પણ વધારો થયો છે. ગત્ વર્ષે હ્રદયની ઈમરજન્સીના 10,200 કોલ મળેલા. આ વર્ષે આ 45 જ દિવસમાં, 12,127 કોલ થયેલા છે. દર કલાકે 11 અને રોજેરોજ 270 દર્દીઓને હ્રદય સંબંધિત બિમારીઓ માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા છે. તબીબી નિષ્ણાંતો કહે છે, હવે ઠંડી જતી રહી હોય કેસ ઘટશે. પરંતુ અત્યાર સુધીના આંકડા કહે છે, 2023ની સરખામણીએ વર્ષ 2024માં હ્રદય રોગ તથા શ્વાસ સંબંધિત બિમારીઓ વધી છે.(પ્રતીકાત્મક તસ્વીર)
