Mysamachar.in-અમદાવાદ:
ગુજરાતમાં વાહનવ્યવહાર સતત વધી રહ્યો છે, તેની સાથેસાથે ઘાતક અકસ્માતો અને આ અકસ્માતોમાં થતાં મોતની સંખ્યા પણ મોટી બની રહી છે. રવિવારની સવારથી આજે સોમવારની સવાર સુધીમાં, માત્ર 24 કલાકમાં જુદાજુદા અકસ્માતોમાં 10 જિંદગીઓનો ભોગ લેવાઈ ગયો છે. સુરત અને સુરેન્દ્રનગર પંથકમાં આ અકસ્માતો નોંધાયા છે. સુરતમાં 3 અકસ્માતમાં 3 અને સુરેન્દ્રનગર પંથકમાં 2 અકસ્માતમાં 7 મોત થયા.
સુરેન્દ્રનગર પંથકમાં, અમદાવાદ-રાજકોટ ધોરીમાર્ગ પર મોરવાડ ગામના પાટીયા નજીક એક ડમ્પર અને ખાનગી બસ વચ્ચેના અકસ્માતમાં પશ્ચિમ બંગાળના 5 પ્રવાસીઓના મોત થયા છે. અને અન્ય 10 પ્રવાસી ઘાયલ થયા હોય, મૃત્યુ આંક વધી શકે છે. આ લોકો સોમનાથ તથા દ્વારકા દર્શન બાદ, ફ્લાઇટ પકડવા અમદાવાદ તરફ જઈ રહ્યા હતાં. સુરેન્દ્રનગર પંથકમાં અન્ય એક અકસ્માતમાં બે યુવતિઓના મોત થયા. આ યુવતિઓ ભોગાવો રિવરફ્રન્ટ રોડ પર જઈ રહી હતી ત્યારે, બસ અને યુવતિઓના બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બંને યુવતિઓના ઘટનાસ્થળે મોત નીપજયા.

આ ઉપરાંત સુરત શહેર પંથકમાં 3 અકસ્માતમાં 3 મોત થયા છે. સુરતના લસકાણામાં એક કારે એક બાઈકને હડફેટમાં લેતાં 2 યુવાનોના મોત થયા. મૃતકોના નામો રાજેશ ગજેરા અને મહેશ લાઠીયા જાહેર થયા છે. આ ઉપરાંત સુરતના માંડવી ટકેશ્વર વિસ્તારમાં એક અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજયું છે. અન્ય એક અકસ્માતમાં કેટલાંક લોકો ઘાયલ થયા.