Mysamachar.in-જુનાગઢ:
એશિયાટીક સિંહોનું એકમાત્ર રહેઠાણ એટલે સોરઠનો ગિર સાસણ પંથક. આ સિંહો સૌરાષ્ટ્ર અને ગુજરાતનું ગૌરવ છે. જેને કારણે પ્રવાસન ઉદ્યોગને તથા સ્થાનિક અર્થતંત્રને વેગ મળી રહ્યો છે અને આ પંથકમાં પર્યાવરણ જાળવણી પણ થઈ રહી છે. પરંતુ હવે સિંહોની કુંડળીના ગ્રહો વંકાયા છે. આ પંથકમાં હાલ પણ ઘણી કન્સ્ટ્રકશન પ્રવૃત્તિઓ થઈ રહી છે અને આગામી સમયમાં તો ગિરના સિંહોનું આ રહેઠાણ બાંધકામ સાઈટ્સથી ઘેરાઈ જશે ! અહીં હોટેલ, રિસોર્ટ, કોમર્શિયલ પ્રવૃતિઓ અને ઉદ્યોગો ધમધમતા થઈ જશે.તેમ એક અહેવાલ પરથી જાણવા મળે છે.
આ પ્રકારનો સળવળાટ એટલાં માટે દેખાઈ રહ્યો છે કેમ કે, આ દિશામાં ગુજરાત સરકાર ખાસ કરીને વનવિભાગ આગળ વધી ચૂક્યો છે. વનવિભાગે એક GR જાહેર કર્યો. જેમાં કહેવાયા મુજબ, સિંહોના રહેઠાણ આસપાસ બાંધકામ પ્રવૃતિઓ થઈ શકશે. તમામ પ્રકારના બાંધકામ થઈ શકશે.

જે લોકો પર્યાવરણને પ્રેમ કરે છે, વન્ય જીવન પ્રત્યે આદર અને લગાવ ધરાવે છે તેમના કહેવા અનુસાર, આ ‘છૂટ’ને કારણે માણસની પ્રવૃત્તિઓ અને અવરજવર માણસ-સિંહ વચ્ચે ઘર્ષણો વધારશે. વનવિભાગે સરકારના જૂલાઈ-2015ના નોટિફિકેશનમાં સુધારો કર્યો છે. અત્યાર સુધી, આ ઈકો સેન્સિટીવ ઝોનમાં બાંધકામ પ્રવૃત્તિઓ મર્યાદિત હતી, વનવિભાગ પાસે આ માટે વિશાળ સતાઓ હતી. હવે આ સુધારા બાદ બાંધકામ મંજૂરીઓની સતાઓ જિલ્લાકક્ષાની એક સમિતિને આપી દેવામાં આવી.
આ GRનો મતલબ એ થાય કે, આ વિસ્તારમાં કોઈ હોટેલ, રિસોર્ટ, કોમર્શિયલ પ્રવૃતિઓ કે ઉદ્યોગ શરૂ કરવા ઈચ્છે તેણે સ્થાનિક કલેક્ટર અને વનવિભાગના DCF(સામાન્ય અધિકારી)ની બનેલી કમિટી પાસેથી અહીં બાંધકામ પ્રવૃતિઓ માટે NOC મેળવી લેવાનું. અત્રે ઉલ્લેખનિય છે કે, આ સતાઓ અત્યાર સુધી વનવિભાગના ઉચ્ચ અધિકારી પાસે જ હતી. એમની હવે આમાંથી બાદબાકી થઈ ગઈ. હવે બાંધકામ પ્રવૃતિઓ ફૂલશેફાલશે એવો પર્યાવરણ પ્રેમીઓને ડર છે. એમ પણ કહેવાય છે કે, આ સુધારાને કારણે કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલયની ગાઈડલાઈનનો પણ ભંગ થઈ રહ્યો છે. પર્યાવરણ પ્રેમીઓ આ સુધારાને ‘કમનસીબ’ લેખાવી રહ્યા છે.(file image)
