Mysamachar.in-અમદાવાદ:
સમગ્ર દેશમાં બિભત્સ, અશ્લીલ અથવા આપતિજનક તસ્વીરો અને વીડિયોઝ બનાવવા, અપલોડ કરવા અને તેના માધ્યમથી કમાણી કરવી- આ આખો મામલો એક ગંદો અને મહાકાય ઉદ્યોગ છે ! લાખો બ્લુ ફિલ્મ અને કરોડો અશ્લીલ કન્ટેન્ટ સમગ્ર દેશમાં, ઈન્ટરનેટના માધ્યમથી ફરી રહ્યા છે. અફસોસની વાત એ પણ છે કે, આ નુકસાનકારક હાલત છતાં તેના પર કોઈ જ નિયંત્રણ નથી. બધું જ બેરોકટોક ચાલી રહ્યું છે, જેને કારણે અસંખ્ય ગુનાઓ પણ આકાર લઈ રહ્યા છે, અનેકની જિંદગીઓ બરબાદ થઈ રહી છે અને સમગ્ર સમાજજીવન પર તેની ગંભીર અસરો દેખાઈ રહી છે.
રાજકોટની પાયલ નામની એક ખાનગી હોસ્પિટલમાં શૂટ થયેલાં કેટલાંક વીડિયો ફૂટેજ વાયરલ થયા. તપાસ હાથ ધરવામાં આવી અને ધરપકડો પણ થઈ. બાદમાં આ આખી બાબત ચર્ચાઓમાં આવી. આ ગંભીર મામલામાં અન્ય કેટલાંક દેશોના નામો પણ ચર્ચાઓમાં આવ્યા. માત્ર એક જ હોસ્પિટલ નહીં, અન્ય કેટલીક હોસ્પિટલોમાં પણ અતિ સંવેદનશીલ જગ્યાઓ પર CCTV કેમેરા લાગેલા છે. વીડિયો રેકોર્ડિંગ થઈ રહ્યું છે. આ પૈકી કેટલાંક વીડિયોઝ નેટ પર અપલોડ પણ થઈ રહ્યા છે. આ એક મોટો બિઝનેસ છે એવો પણ ખુલાસો થયો.
માત્ર હોસ્પિટલો જ નહીં, પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં સ્નાન કરતી હજારો યુવતિઓ અને મહિલાઓના વીડિયોઝ પણ અપલોડ થયા છે. અમદાવાદ સાયબર ક્રાઈમ DCP લવિના સિંહા ખુદ આ વાત કરે છે. જો કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 3 શખ્સોની ધરપકડ પણ થઈ છે. સાથેસાથે એક શકયતા એવી પણ બહાર આવી કે, દેશભરની 60-70 જેટલી હોસ્પિટલના CCTV હેક થઈ ગયા છે ! આ શક્યતા વધુ આગળ વિચારીએ તો, એમ પણ વિચારી શકાય કે, કોઈ પણ જગ્યાએ લાગેલા CCTV કેમેરા પણ હેક થઈ શકે ! તો સાયબર સલામતી અને સુરક્ષાનું શું ?! એ પ્રશ્ન પણ સપાટી પર આવી શકે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ પામેલાં શખ્સોની પૂછપરછમાં વિગતો બહાર આવી કે, આ શખ્સો યુ ટ્યૂબ અને ટેલિગ્રામ ચેનલ પર આ આપતિજનક વીડિયોઝ વેચી કમાણી કરી રહ્યા હતાં. હોસ્પિટલો ઉપરાંત થિયેટર અને મોલમાં પણ આ પ્રકારના ખેલ થયાની શકયતાઓ ચકાસવામાં આવી રહી છે. દરમિયાન, રાજકોટની પાયલ હોસ્પિટલના આ પ્રકરણમાં હોસ્પિટલના કોઈ પણ કર્મચારીની આમાં સંડોવણી નથી તેમ પણ જાહેર થયું. આપતિજનક વીડિયોઝ મેળવવાના કૃત્યો રોમાનિયા સહિતના અન્ય દેશમાં બેઠાં બેઠાં હેકીંગથી થયાનો ખુલાસો જાહેર કરવામાં આવ્યો છે.
આ આરોપીઓએ છેલ્લા એક વર્ષ દરમિયાન આ રીતે ઘણો ધંધો કર્યો છે. આ શખ્સો દ્વારા UPI ટ્રાન્ઝેક્શન પણ થયા છે તેથી અન્ય હેકર્સ અથવા અન્ય આરોપીઓના નામો પણ આગામી સમયમાં બહાર આવી શકે છે. અચરજની વાત એ પણ છે કે, આ 3 આરોપીઓ પૈકી 2 આરોપીઓ NEET પરીક્ષાઓની તૈયારીઓ પણ કરી રહ્યા છે. 2 મહારાષ્ટ્રના અને 1 ઉત્તરપ્રદેશનો એમ કુલ 3 આરોપીઓ ઝડપાઈ જતાં, આ શખ્સોને વધુ રિમાન્ડની માંગ સાથે આજે ફરીથી અદાલત સમક્ષ પેશ કરવામાં આવ્યા છે.
