Mysamachar.in-
જામનગરની જી.જી હોસ્પિટલ એક જમાનામાં ઈરવિન હોસ્પિટલ તરીકે ઓળખાતી, આશરે 72 વર્ષ સુધી આ ઈમારતે લાખો લોકોની અનેક રીતે સેવાઓ કરી, હવે આ ઈમારત જમાનાનો ઘસારો સહી, ઘરડી બની ગઈ હોય- આ મુખ્ય અને જૂની ઈમારતની જગ્યાએ રૂ. 525 કરોડના ખર્ચથી 8 માળની નવી અને ભવ્ય ઈમારત બનાવવાનું આયોજન ધરાવતી ફાઈલ હાલ પાટનગર ગાંધીનગરમાં મંજૂરીના તબક્કે છે, આમ છતાં આ નવી ઈમારતનું નિર્માણ કાર્ય લાંબુ ચાલે અને આશરે 3 વર્ષ બાદ નવી ઈમારત ઉપયોગમાં લઈ શકાય ત્યાં સુધી એટલે કે ઓછામાં ઓછા હજારેક દિવસ- લાખો લોકોને જે અસુવિધાઓનો અને હાલાકીઓનો સામનો કરવો પડશે- તેનું શું ?! આ માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થાઓ થઈ છે, આ વ્યવસ્થાઓ યોગ્ય હશે કે કેમ- વગેરે પ્રશ્નો સપાટી પર આવ્યા છે.
જી.જી હોસ્પિટલની જૂની ઈમારત તોડી પાડવા દરમ્યાન અને નવી ઈમારત સંપૂર્ણ સજ્જ બની જાય ત્યાં સુધી, લાખો લોકોનું શું થશે ? રોજ હજારો લોકો OPDમાં આવે છે, સેંકડો લોકો દાખલ હોય છે, દર્દીઓના પરિવારજનો વગેરે હજારોની સંખ્યામાં રોજ અહીં મુલાકાતીઓ આવે છે- આ સૌ માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ ગોઠવવા તંત્ર દોડધામ કરે છે પણ Mysamachar.in ને મળેલી વિગતો પરથી દેખાઈ રહ્યું છે કે, આ નવી બનનારી ઈમારતનો હોસ્પિટલ તરીકે ઉપયોગ થઈ શકે ત્યાં સુધીના, હવે પછીના 1,000-1,200 દિવસ લોકો માટે અઘરાં સાબિત થશે, એ નક્કી.
એક તબક્કે વાતચીત દરમિયાન મેડિકલ કોલેજના ડીન ડો. નંદીની દેસાઈ જણાવે છે કે, આ નવી ઈમારતના નિર્માણ દરમ્યાન હાલની વિવિધ OPDને જુદાજુદા વિભાગોમાં વિભાજિત કરવામાં આવશે. અમુક OPD નવી મેડિકલ કોલેજની ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર, અમુક OPD સોલેરિયમ નજીક બનાવાયેલા નવા હંગામી સ્ટ્રક્ચર ખાતે તથા અમુક OPD 700 બેડની નવી હોસ્પિટલની ઈમારતમાં શિફ્ટ કરવામાં આવશે. જો કે, આ દરમ્યાન હજારો લોકોની રોજની અવરજવર અને તેમના સૌના વાહનોના પાર્કિંગનું શું ? એ ગંભીર પ્રશ્નનો ઉત્તર ડીન સહીત સૌ તંત્ર શોધી રહ્યું છે.

અને બીજી અચરજની વાત એ છે કે, સરકારનો PIU એટલે કે પ્રોજેક્ટ ઈમ્પલિમેન્ટ યુનિટ વિભાગ નવી જી.જી હોસ્પિટલની રૂ. 525 કરોડના ખર્ચથી બનનારી ઈમારતના બધાં જ કાગળો બનાવી ચૂકેલ છે પરંતુ વૈકલ્પિક વ્યવસ્થાઓ સંબંધે આ વિભાગ હોસ્પિટલ સત્તાવાળાઓ સાથે સંકલન સાધવામાં અને યોગ્ય આયોજન કરવામાં સફળ રહ્યો નથી. આ વિભાગને કરોડો રૂપિયાના ખર્ચના કામમાં જ માત્ર રસ હોય તેમ દેખાઈ રહ્યું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, જી.જી હોસ્પિટલ સંકુલમાં આવેલી નવી મેડિકલ કોલેજ વિસ્તારમાં આજની તારીખે પણ વાહનોની અવરજવર અને પાર્કિંગની સમસ્યાઓ છે જ, આ વિસ્તારમાં નજીક નજીક 3 સ્થળોએ OPD ના વિવિધ આઠ વિભાગો વૈકલ્પિક વ્યવસ્થાઓ તરીકે ખડકી દેવામાં આવશે ત્યારે, હજારો વાહનોની અવરજવર અને હજારો લોકોની અવરજવર તેમજ પાર્કિંગ જગ્યાઓની ખેંચ- આ બધી સમસ્યાઓ કેટલી વિકરાળ બનશે.?! દર્દીઓ સહિતના હજારો લોકો કેવા પરેશાન થઈ જશે, એ અંગે સત્તાવાળાઓએ યોગ્ય આયોજન ન કર્યું હોવાનું બિહામણું ચિત્ર અત્યારે સામે આવી રહ્યું છે. સત્તાવાળાઓ યોગ્ય રસ્તાઓ વિચારશે??
