Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લા માટે વર્ષ 2010 થી પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ થયેલા ખેતીની જમીનની આધુનિક પદ્ધતિથી માપણીની પ્રક્રિયા છેલ્લા કેટલાક વરસોથી પ્રશ્નોનો ઢગ બની ગઇ છે તે બાબતને જામનગરના નવનિયુક્ત જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે અગ્રતા આપી છે અને ચાર્જ સંભાળ્યાના એક જ અઠવાડીયામાં આ અંગે મહત્વની મીટીંગ બોલાવી હતી તેમજ ઝડપી અને ઠોસ ઉકેલ માટે તેઓના અનુભવી માર્ગદર્શન પુરા પાડ્યા હતા. બીજી તરફ જામનગર શહેર પ્રાંત અધીકારી પ્રશાંત પરમાર જેઓ સુપ્રિ.ઓફ લેન્ડ રેકર્ડઝના ચાર્જમાં છે તેઓ પણ નોંધપાત્ર જહેમત ઉઠાવી રહ્યા છે, અને કઈ રીતે અરજદારોના પ્રશ્નોનો નિકાલ આવે પારદર્શી કામગીરી રહે તે માટેના અથાગ પ્રયાસો કરી રહ્યા છે.
હાલારમાં ખેતીની જમીનની નવેસરથી માપણીની પ્રક્રિયા માટે ગુજરાત સરકાર દ્વારા હૈદ્રાબાદની એક લેન્ડ સર્વે કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો આ કંપનીએ કરેલુ કામ કોને ખબર કઇ રીતે થયુ હશે કે આ સર્વે કામગીરી બાદ જુદા જુદા સીતેર હજારથી વધુ ખેડૂતોએ રીસર્વે સામે વાંધો ઉઠાવી રીસર્વે કરાયેલા ખેતરોનો ફરીથી સર્વે કરાવવા માંગણી કરી હતી આ થોકબંધ અરજીઓનો નિકાલ વિભાગ માટે શિરદર્દ બની ગયો છે તેમજ સંખ્યાબંધ અરજીઓના નિકાલ બાકી છે ત્યારે પારદર્શી કામગીરીના આગ્રહી જીલ્લા કલેક્ટર કેતન ઠક્કરે આ રી સર્વેના પ્રશ્નને અગ્રતા આપી છે અને ખાસ સમીક્ષા મીટીંગ યોજી છે,.
મહત્વની બાબત એ પણ છે કે સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે, જામનગર શહેર પ્રાંત અધીકારી પી.બી.પરમારે ચાર્જ સંભાળ્યો ત્યારથી લેન્ડ રેકર્ડ કચેરીની રિસર્વે અરજીઓના નિકાલમાં ગતિ અને પારદર્શિતા તો આવી છે ત્યારે આ કામગીરીને વેગવંતી બનાવવા સીધી જ સર્વેયરો સાથે જીલ્લા કલેક્ટરએ સઘન મીટીંગ યોજી એક્શન પ્લાન બનાવી સ્ટેપ બાય સ્ટેપ કામગીરી કરવા તલસ્પર્શી માર્ગદર્શન આપતા, ઇ.ચા.સુપ્રિ. પરમાર (એસડીએમ જામનગર શહેર)ના પ્રયત્નો વધુ વેગવાન બની શકશે તેવી સમીક્ષકોમાં આશા સેવાય છે,

રેવન્યુ કામગીરી ટીમવર્કથી થતી કાર્યવાહી છે તેમાં ઉચ્ચ અધીકારીઓનો તાલમેલ, ફીલ્ડ સ્ટાફને ઉચ્ચ કક્ષાએથી અપાતુ પ્રોત્સાહન કામગીરી દેખરેખ, સમજણ પુર્વકનુ માર્ગદર્શન વગેરે ઘણા પાસાઓ ભાગ ભજવતા હોય છે ત્યારે જામનગર જીલ્લા વહીવટી તંત્રનો નોંધપાત્ર તાલમેલ આ સમીક્ષા મીટીંગ વખતે રચાયો હોવાનું જાણવા મળે છે. ખાસ કરીને જમીન રીસર્વે દરમ્યાન ભુલ ભરેલી માપણીથી ખેડૂતોમાં આંતરીક કલહ અને ઘર્ષણો ઉભા થયા છે તેવા સંજોગોમાં ડેપ્યુટી કલેક્ટર પ્રશાંત પરમારે ચાર્જમાં આવ્યા ત્યારથી અરજીઓના વર્ગીકરણ કરી ફરીથી માપણી કરવા ગામ વાઇઝ સર્વેયરોને કામગીરીઓ સોંપી જ રહ્યા છે અને અરજીઓના નિકાલ થઇ રહ્યા છે ત્યારે જીલ્લા કલેક્ટર કેતન ઠક્કરે આ કામગીરી બિરદાવી તેઓના અનુભવના આધારે સર્વેયરોને ટેકનોલોજીના ઉપયોગથી સચોટ અને ઝડપી કામગીરી માટે પ્રોત્સાહિત કરતા આ વિભાગમાં સર્વાંગી ઉત્સાહ આવ્યો છે જેથી રીસર્વેની અગાઉની ક્ષતિઓ દૂર કરી હજારો ખેડૂતોના હિતમાં કામગીરી થઇ શકે તેવુ અવલોકન સામે આવ્યુ છે
આ મીટીંગની વધુ વિગત મુજબ કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેકટર કેતન ઠક્કરે જામનગર જિલ્લાની જમીન માપણીની કામગીરી અંગેની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર બી.એન.ખેર , પ્રાંત અધીકારી (ડે.કલે. જામનગર ) અને ઇ.ચા. સુપ્રિન્ટેનડેન્ટ ઓફ લેન્ડ રેકર્ડ પી.બી.પરમાર તથા અધીકારીઓએ વિગતો કલેક્ટર સમક્ષ રાખી હતી
આ બેઠકમાં કલેક્ટરએ કચેરીનું મહેકમ તેમજ રીસર્વેની કામગીરી સાથે જોડાયેલ સર્વેયર અંગેની વિગતો મેળવી યોગ્ય રીતે કામની વહેંચણી કરવા તેમજ યોગ્ય આયોજન ઘડી સમયમર્યાદામાં રી-સર્વેની કામગીરી પૂર્ણ થાય તે દિશામાં કામગીરી હાથ ધરવા ઉપસ્થિત સૌને તાકીદ કરી હતી.સાથે સાથે અધિકારીઓને કામગીરીનું યોગ્ય ફોલો-અપ લેવા તેમજ પ્રતિબદ્ધતા સાથે કામગીરી થાય તે સુનિશ્ચિત કરવા પણ જણાવ્યું હતું.કલેકટરએ કુલ પેન્ડિંગ અરજીઓનો ઘટાડો થાય તેમજ પડતર કામગીરીનો કઈ રીતે જરૂરી સમયમર્યાદામાં નિકાલ થાય તે અંગે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને કર્મચારીઓ દ્વારા કરાતી કામગીરીનું સમયાંતરે મૂલ્યાંકન થાય તે અંગે પણ સૂચન કર્યું હતું.
