Mysamachar.in-ગાંધીનગર:
વર્ષ 2025 સુધીમાં સમગ્ર ભારતને TB નામના રાજરોગમાંથી મુક્ત બનાવી દેવામાં આવશે, એવો દાવો સરકાર દ્વારા ઘણાં વર્ષથી થઈ રહ્યો છે. તેની સામે TB દર્દીઓના જે આંકડા સરકારના ચોપડે નોંધાઈ રહ્યા છે તે આંકડા ખુદ દર્શાવે છે કે, દાવાઓ અને હકીકત વચ્ચે મોટો વિરોધાભાસ દેખાઈ રહ્યો છે.
ગુજરાતમાં આ વર્ષના પ્રથમ 45 દિવસ એટલે કે, 1 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધીમાં TBના 15,748 નવા દર્દીઓ ઉમેરાઈ ચૂક્યા છે. એટલે કે, દર 24 કલાકમાં રાજ્યમાં TBના નવા 350 દર્દીઓ રેકર્ડ પર ચડી રહ્યા છે. અન્ય ઘણાં લોકોને પણ TB લાગુ પડ્યો હોય છે પરંતુ વિવિધ કારણોસર તેઓ હોસ્પિટલ જતાં નથી, આ ન નોંધાયેલા દર્દીઓ અલગ.
ગુજરાતમાં છેલ્લા પાંચ જ વર્ષ દરમિયાન સરકારના ચોપડે TBના 5.86 લાખ દર્દીઓ ઉમેરાઈ ગયા છે. જો કે સારી બાબત એ રહી કે, કુલ દર્દીઓ પૈકી 90 ટકા દર્દીઓ સારવારને કારણે સાજા થઈ રહ્યા છે. સુરતમાં સ્થિતિઓ વધુ ચિંતાપ્રેરક છે. આરોગ્ય વિભાગ કહે છે: અગાઉ આ રોગને રાજરોગ કહેવાતો પરંતુ હવે નિદાન અને ઝડપી સારવાર શક્ય બનતા TB રોગને હરાવવામાં વધુ સફળતા મળી રહી છે.
ભયાનક વાયુ પ્રદૂષણ સહિતના કારણોસર ગુજરાતમાં TBના નવા દર્દીઓ સતત ઉમેરાઈ રહ્યા છે. કોરોના બાદ સ્થિતિઓ વધુ બગડી હોવાનું બહાર આવ્યું છે. સમગ્ર રાજ્યમાં આ માટેનું નિદાન અને સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ છે. પોષણયુક્ત આહાર માટે આ દર્દીઓને દર મહિને રૂ. 1,000ની આર્થિક મદદ પણ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં TBના 7.68 લાખ દર્દીઓને રૂ. 246 કરોડથી વધુની આર્થિક સહાય DBT માધ્યમથી આપવામાં આવી છે. દર વર્ષે TBના 1.40 લાખ કેસ આવી રહ્યા છે જો કે, તેમાંથી 90 ટકા દર્દીઓને સાજા કરવામાં TB હોસ્પિટલોએ સફળતા પણ મેળવી છે.
