Mysamachar.in: જામનગર
સમગ્ર રાજ્યની સાથે જામનગર જિલ્લામાં પણ આગામી 16 ફેબ્રુઆરીએ પાલિકાઓ અને તાલુકા પંચાયતની એક બેઠકની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, જેની મતગણતરી ફેબ્રુઆરીની અઢારમીએ થશે અને આ ચૂંટણીઓ માટે કુલ મતદારોની સંખ્યા 73,915 જાહેર કરવામાં આવી. આજે સવારે જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી(કલેક્ટર કેતન ઠક્કર)એ આ વિગતો પત્રકાર પરિષદમાં આપી.
પત્રકાર પરિષદમાં જાહેર થયેલી વિગત અનુસાર, જિલ્લાની ધ્રોલ, કાલાવડ અને જામજોધપુરની પાલિકાઓના સાત સાત એમ કુલ 21 વોર્ડ તથા જામનગર ગ્રામ્યની તાલુકા પંચાયતની જામવંથલી બેઠક પર કુલ 73,915 મતદારોની યાદીની આખરી પ્રસિધ્ધિ થઈ છે. ધ્રોલ મતદારોની સંખ્યા 22,343 – કાલાવડ મતદારો 23,543 અને જામજોધપુર પાલિકાના મતદારો 21,077 છે જ્યારે જામવંથલી તાલુકા પંચાયત બેઠક પર 6,952 મતદારો નોંધાયા છે.
ધ્રોલ માટે 21 મતદાન મથક, કાલાવડમાં 27 અને જામજોધપુરમાં 26 મતદાન મથક નક્કી થયા. જામવંથલી તા.પં.બેઠક માટે અલગઅલગ ગામમાં કુલ 9 મતદાન મથક છે. કુલ 83 મતદાન મથક પૈકી 67 મતદાન મથક સંવેદનશીલ જાહેર થયા. આ આંકડો મોટો લેખી શકાય. સામાન્ય મતદાન મથક માત્ર 16 અને અતિ સંવેદનશીલ મથક એક પણ નથી.

આ કુલ 22 મતદાર મંડળ એટલે કે કુલ 85 બેઠક માટે કુલ 335 ફોર્મ ભરાયેલા જે પૈકી 2 ફોર્મ પરત ખેંચાયા અને 98 ફોર્મ રદ અને કાલાવડ નગરપાલિકાના એક ઉમેદવાર કાવ્યા મોહિતભાઈ મહેતા ( વોર્ડ નંબર 2, ભાજપ) બિનહરીફ જાહેર થયા છે. કુલ હરીફ ઉમેદવારોની સંખ્યા 234 જે પૈકી ધ્રોલમાં 85 ઉમેદવાર, કાલાવડમાં 67 અને જામજોધપુરમાં 80 ઉમેદવાર અને જામવંથલીમાં સીધી ફાઇટમાં માત્ર 2 ઉમેદવાર છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જોડિયાની તાલુકા પંચાયતની એક માત્ર બેઠક પર ભાજપાના અકબર હાજી નૂરમામદ નુત્યારને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. આ ચૂંટણીઓ માટે તંત્ર દ્વારા કુલ 17 જાહેરનામા પ્રકાશિત થયા છે. 18મી ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરવામાં આવશે.
-એક બેઠકની ચૂંટણી રદ્દ: ઉમેદવારનું અવસાન
ધ્રોલ નગરપાલિકાની ચૂંટણી લડતા કોંગ્રેસના વોર્ડ નંબર7 ના ઉમેદવાર દશરથસિંહ જાડેજાનું ગઈકાલે અવસાન થતાં આ અંગેનો રિપોર્ટ રાજ્ય ચૂંટણી પંચને મોકલવામાં આવ્યો છે ,આ ચૂંટણી રદ થવાપાત્ર છે તેવું પ્રાવધાન છે. રાજ્ય ચૂંટણી પંચ આ અંગે યોગ્ય નિર્ણય કરશે, એમ કલેક્ટર કેતન ઠક્કરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
-એસ.પી.પ્રેમસુખ ડેલુએ આપી વિગતો
આગામી ચુંટણી સંદર્ભે આજની પત્રકાર પરીષદમાં જામનગર એસ.પી.પ્રેમસુખ ડેલુ પણ ઉપસ્થિત રહ્યા હતા તેવાઓએ કહ્યું કે શાંતિપૂર્ણ માહોલમાં ચુંટણી સંપન્ન થાય તે માટે જીલ્લા ચુંટણી તંત્ર સાથે અમે સંકલન કરીને પોલીસ વિભાગને એલર્ટ રાખ્યો છે, આજ દિવસ સુધીમાં ચુંટણી અનુસંધાને 7 ઇસમો વિરુદ્ધ પાસા અને હદપારી કરવામાં આવી છે તો કુલ 1000 ઈસમો સામે અટકાયતી પગલા લેવામાં આવ્યા છે, આગામી ચુંટણીમાં ASP અને DYSP-4, 6 પોલીસ ઇન્સ્પેકટર, 2 પોલીસ સબ ઇન્સ્પેકટર 200 પોલીસ કોન્સ્ટેબલ અને 200 હોમગાર્ડ જવાનો ઉપરાંત એસ.આર.પી.ના જવાનો પણ ચુંટણી બંદોબસ્તમાં તૈનાત રહેશે.
