Mysamachar.in-જામનગર:
પોલીસ ખૂબ જ ગંભીર મુખમુદ્રા ધારણ કરીને એવો પ્રચાર કરી રહી છે કે, લોકોને અકસ્માતથી બચાવવા અમે હેલ્મેટ અને સીટ બેલ્ટ ડ્રાઇવ ચલાવી રહ્યા છીએ. આ જ અનુસંધાને લોકો પોલીસને એમ પૂછી રહ્યા છે કે, શહેરોમાં અને ધોરીમાર્ગો પર અકસ્માતો અટકાવવા, હેલ્મેટ અને સીટ બેલ્ટ ડ્રાઇવ સિવાયની અન્ય કોઈ કામગીરીઓ પોલીસ કરે છે ? શા માટે નથી કરતી ?…
હાલમાં આ પ્રશ્ન સપાટી પર એટલા માટે આવ્યો કેમ કે, અત્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત સમગ્ર રાજ્યના તમામ જિલ્લામાં સરકારી કચેરીઓના આંગણે સવારમાં પોલીસકર્મીઓ ગોઠવાઈ જાય છે અને જે સરકારી કર્મચારીઓએ ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ ધારણ કરેલી ન હોય તેની પાસેથી દંડના નામે વ્યક્તિગત રીતે રૂ. 500-500 ખંખેરવામાં આવે છે, તેથી રાજ્યભરના લાખો સરકારી કર્મચારીઓમાં પોલીસવિભાગ પ્રત્યે આકરી નારાજગીઓ જોવા મળી રહી છે.
રાજ્યના પોલીસવડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનરો અને તમામ જિલ્લા પોલીસ વડાઓને પત્ર પાઠવીને આ ડ્રાઇવ માટેની સૂચનાઓ આપી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ધોરીમાર્ગો પર મુસાફરી કરતાં લોકો ટુ વ્હીલર ચલાવતી વખતે અને ટુ વ્હીલરમાં પાછળ બેસતી વખતે હેલ્મેટ ધારણ કરતાં નથી, તેથી અકસ્માતોના કિસ્સાઓમાં ઘણાં લોકો મોતને ભેટે છે. આ પ્રકારની સ્થિતિઓને પોલીસ અટકાવી શકી નથી, પોલીસ પોતાની આ નિષ્ફળતાને ઢાંકવા ધોરીમાર્ગને બદલે શહેરોમાં હેલ્મેટ ડ્રાઇવ ચલાવી રહી છે.

બીજો મુદ્દો: મહારાષ્ટ્રના મેગાસિટી પૂનામાં એક વખત આ પ્રકારની હેલ્મેટ ડ્રાઇવ શરૂ થયેલી ત્યારે લોકોએ વાંધો લીધો કે, શહેરમાં વાહન ચલાવતી વખતે હેલ્મેટ ધારણ કરવા ફરજ પાડવી એ બળજબરી છે. ધારાસભ્ય સમક્ષ રજૂઆત થઈ. ધારાસભ્યએ તાબડતોબ પોલીસ કમિશનર સાથે વાત કરી. પોલીસ કમિશનરે કહેવું પડ્યું કે, આ ડ્રાઇવ શહેર માટે નથી, માત્ર હાઈવે પર દોડતાં ટુ વ્હીલર માટે જ છે.
ત્રીજો મુદ્દો: જામનગર શહેરમાં સરકારી કર્મચારીઓ ગમે તે વિસ્તારમાં હેલ્મેટ વગર ટુ વ્હીલર ચલાવે તો તેને કોઈ પકડે નહીં, પણ જો કચેરીમાં પ્રવેશતી વખતે તેણે હેલ્મેટ પહેરી ન હોય તો દંડ થાય. સાથે જ આ ડ્રાઇવ માત્ર સરકારી કર્મચારીઓ માટે જ છે એવું ખુદ રાજય પોલીસ વડાએ જાહેર કર્યું છે આમ છતાં જામનગર પોલીસ સરકારી કચેરીઓમાં આવતા નગરજનોને પણ હેલ્મેટ મુદ્દે દંડ કરી રહી હોય, નગરજનોનાં પણ આ ડ્રાઇવ બાબતે નારાજગીઓ છે.
ચોથો મુદ્દો: લાલ બંગલા વિસ્તારમાં જ કોઈ કર્મચારી મહાનગરપાલિકામાં હેલ્મેટ વિના પ્રવેશે તો કોઈ કાર્યવાહીઓ નહીં પરંતુ તેની જ સામે આવેલી વીજતંત્ર કચેરીમાં હેલ્મેટ વગર પ્રવેશે તો દંડ !! પોલીસની આ પ્રકારની ફારસરૂપ કામગીરીઓને કારણે પ્રજા પોલીસની મશ્કરી ઉડાવી રહી છે અને રાજ્યના પોલીસવડાએ આપેલી આ સૂચનાને વાહિયાત માની રહી છે. હેલ્મેટ અને સીટ બેલ્ટ સારી બાબત છે એ ખરૂં પણ જો આ કાયદાનો સમગ્ર રાજ્યમાં કડક અને તટસ્થ તથા વર્ષના 365 દિવસ અમલ થાય તો જ કોઈ મતલબ સરે, બાકી આ પ્રકારના નાટકથી પોલીસ લોકોમાં મશ્કરીની બાબત પૂરવાર થઈ રહી છે- રાજ્યના પોલીસ વડાને આ હકીકતોની ખબર નથી ??!
