Mysamachar.in-ગુજરાત:
દરરોજ ઘણાં બધાં કેસોમાં, ઘણાં લોકોની ધરપકડો થતી હોય છે. ઘણાં કેસમાં તો આ તહોમતદારો પોલીસને પૂછતા હોય છે- મારો વાંક શું ? મારો ગુનો શું ? જો કે પોલીસ ઘણાં કિસ્સાઓમાં આ પ્રકારના તહોમતદારોને અષ્ટમ પષ્ટમ સમજાવી પણ દેતી હોય છે. અને, ઘણાં તહોમતદાર પોતાની આ પ્રકારની ધરપકડને નિયમ વિરુદ્ધ માનતા હોય છે પરંતુ આ તહોમતદારને સાંભળવામાં આવતા હોતાં નથી. આ પ્રકારની સ્થિતિઓ વચ્ચે, સુપ્રિમ કોર્ટે ધરપકડ મામલે એક કેસમાં પોલીસને ફટકાર લગાવી છે.
આ મામલામાં સુપ્રિમ કોર્ટે પોલીસને કહ્યું કે, કારણ જણાવ્યા વગર ધરપકડ કરવામાં આવે તો તે ધરપકડ ગેરકાયદેસર છે. જો ધરપકડ પછી શક્ય એટલી વહેલી તકે ધરપકડના કારણો જણાવવામાં ન આવે તો, તે કલમ 22(1) હેઠળ ગેરંટીકૃત ધરપકડ કરવાના મૂળભુત અધિકારનું ઉલ્લંઘન થશે.
એક ઐતિહાસિક ચુકાદામાં ગઈકાલે શુક્રવારે સુપ્રિમ કોર્ટે કહ્યું: બંધારણની કલમ 22(1) હેઠળ ધરપકડ કરાયેલી વ્યક્તિને તેની ધરપકડના કારણો વિષે જાણ કરવી, એ માત્ર ફોર્માલિટી નથી પરંતુ ફરજિયાત બંધારણીય આવશ્યકતા છે. આ જોગવાઈનું પાલન ન કરવા પર ધરપકડ ગેરકાયદેસર માનવામાં આવશે. જસ્ટિસ એ.એસ.ઓકા અને જસ્ટિસ એન.કે.સિંહે હરિયાણા પોલીસ દ્વારા કરવામાં આવેલી એક ધરપકડને કલમ 22(1)નું પાલન ન કરવા બદલ ગેરકાયદેસર જાહેર કરી અને આરોપીને તાત્કાલિક મુક્ત કરવા આદેશ આપ્યો.

સુપ્રિમ કોર્ટની ખંડપીઠે કહ્યું: કલમ 22 નો મૂળભુત અધિકારો હેઠળ બંધારણના ભાગ 3માં સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રકારે આ ધરપકડ કરાયેલ અને પોલીસ કસ્ટડીમાં રખાયેલ દરેક વ્યક્તિનો મૂળભુત અધિકાર છે કે તેને ધરપકડના કારણોની વહેલી તકે જાણ કરવામાં આવે. જો ધરપકડ બાદ શક્ય તેટલી વહેલી તકે ધરપકડના કારણોની જાણ કરવામાં ન આવે તો તે કલમ 22(1) હેઠળ ગેરંટીકૃત ધરપકડના મૂળભુત અધિકારનું ઉલ્લંઘન હશે.
જસ્ટિસ એન.કે.સિંહે આ કેસમાં કહ્યું કે, ધરપકડના કારણો ફક્ત ધરપકડ કરાયેલ વ્યક્તિને જ નહીં પરંતુ તેના મિત્રો, સંબંધીઓ અને તેના દ્વારા નામાંકિત અન્ય વ્યક્તિઓને પણ જણાવવા જોઈએ, જેથી તેઓ કાનૂની પ્રક્રિયાઓ દ્વારા ધરપકડને પડકારી શકે અને પોતાની મુક્તિ સુનિશ્ચિત કરી શકે. જસ્ટિસ ઓકાએ કહ્યું: ભલે ધરપકડના કારણો લેખિતમાં આપવા જરૂરી નથી પણ લેખિતમાં આપવાથી વિવાદનો અંત આવશે. પોલીસે હંમેશા કલમ 22ની જરૂરિયાતોનું કડક પાલન કરવું જોઈએ.
