Mysamachar.in-
કેટલાંક વર્ષ અગાઉ રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન થયેલું. બાદમાં સરકાર પર સવર્ણોને સાચવવાનું દબાણ વધી ગયું. ત્યારબાદ સરકારે બિનઅનામત વર્ગ માટે એક નિગમની જાહેરાત કરી અને આ નિગમ અંતર્ગત સ્વરોજગાર માટે લોનસહાયની પણ જાહેરાત થઈ. પરંતુ આ નિગમનું માત્ર નામ જ મોટું છે, RTI માં બહાર આવેલી વિગતો જણાવે છે કે, આ દિશામાં ખાસ કોઈ કામ થયું નથી.
જાહેર થયેલી વિગત અનુસાર, વર્ષ 2021થી વર્ષ 2024 સુધીના 3 વર્ષની વિગતો RTI અંતર્ગત નિગમ પાસે માંગવામાં આવી હતી. નિગમે 2023-24 ના આંકડા આપ્યા નથી. ઉપરોકત 3 વર્ષ માટે સરકારે રૂ. 500 કરોડની જોગવાઇ કરી હતી. જે પૈકી અરજદારોને આ 3 વર્ષ દરમિયાન માત્ર રૂ. 99 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમે RTI અરજીમાં આ જવાબો આપ્યા છે.
આ નિગમને વર્ષ 2021-22 માં કુલ 6,152 અરજીઓ મળી હતી. જે પૈકી 34 ટકા એટલે કે 2,081 અરજીઓ મંજૂર થઈ અને અરજદારોને કુલ રૂ. 96.23 કરોડની લોનસહાય આપવામાં આવી. ત્યારબાદ બીજા વર્ષે એટલે કે વર્ષ 2022-23 માં નિગમને કુલ 4,424 અરજીઓ મળી, જે પૈકી માત્ર 1.2 ટકા એટલે કે 53 અરજીઓ મંજૂર થઈ અને આ અરજદારોને કુલ રૂ. 2.63 કરોડની લોનસહાય ચૂકવવામાં આવી. રાજ્યના 33 પૈકી 22 જિલ્લા એવા છે જ્યાં અરજદારોને એક પણ રૂપિયાની લોનસહાય આપવામાં આવી નથી. અને, વર્ષ 2023-24 ના આંકડા નિગમે RTI અરજી છતાં જાહેર કર્યા નથી.
વર્ષ 2021-22 દરમિયાન મોટાભાગની લોનસહાય માત્ર 5 જિલ્લાને ચૂકવવામાં આવી હતી. જેમાં જામનગર કે દ્વારકા જિલ્લાનો સમાવેશ થતો નથી. વર્ષ 2022-23 માં રાજ્યના માત્ર 11 જ જિલ્લામાં લોનસહાય આપવામાં આવી. જે પૈકી જામનગરમાં 53 અરજીઓ થયેલી, 2 અરજીઓ મંજૂર થઈ અને તેમને કુલ રૂ. 10 લાખની સહાય મળી. દ્વારકામાં 6 અરજીઓ થયેલી, ત્યાં પણ 2 અરજીઓ મંજૂર થઈ અને કુલ રૂ. 10 લાખની લોનસહાય જાહેર થઈ. સૌથી વધુ 17 અરજીઓ જૂનાગઢમાં મંજૂર થઈ અને કુલ રૂ. 88 લાખની લોનસહાય આપવામાં આવી. સુરતમાં આટલાં મોટા જિલ્લામાં માત્ર એક જ અરજી મંજૂર અને રૂ. 5 લાખની સહાય આપવામાં આવી. રાજ્યના 22 જિલ્લામાં ‘શૂન્ય’ લોનસહાય !! મતલબ કે નિગમ દ્વારા કોઈ જ કામગીરીઓ થઈ રહી નથી, એવી હકીકતો બહાર આવી.