Mysamachar.in-
ઉદ્યોગો સાથે સંકળાયેલા સૂત્રના જણાવ્યા અનુસાર, ટર્નઓવર અને ચોપડે ઓછો નફો દેખાડવા તથા એ રીતે GST સહિતના કરની ચોરીઓ કરવા માટે ઘણાં બધાં ઉદ્યોગકારોએ પોતાનો ઉત્પાદિત ‘માલ’ વિધાઉટ બિલ એટલે કે ઝીરોમાં વેચાણ કરવો પડતો હોય છે, આ ઉપરાંત ઘણાં પ્રોડકશન હાઉસ કેટલીક અથવા ઘણી ખરીદીઓ ચોપડે લેતાં હોતા નથી, આથી આંકડાઓ સેટ કરવા પણ વેચાણ ઝીરોમાં કરવું પડતું હોય છે અને એ રીતે મોટી માત્રામાં બિનહિસાબી નાણાંનું સર્જન થતું હોય છે.
આ પ્રકારનું બિનહિસાબી નાણું ભેગું કરવા ઘણાં ઉદ્યોગોએ ઉત્પાદન ખર્ચ પણ મર્યાદિત રાખવો પડતો હોય છે અને આમ કરવા માટે ચોપડા પર ઓછો વીજવપરાશ દેખાડવો પડે, આથી ઘણાં પ્રોડકશન હાઉસે વીજચોરી પણ ફરજિયાત રીતે કરવી પડે- આ આખા ષડયંત્રની અસરો એ થાય કે, ઉદ્યોગોમાં કરચોરી સાથે વીજચોરી પણ વ્યાપક પ્રમાણમાં ચાલતી રહે. જો કે અચરજની વાત એ પણ છે કે, ઉદ્યોગ અને કોમર્શિયલ એ બે ક્ષેત્ર એવા છે જ્યાં રહેણાંકની સરખામણીએ ઓછું વીજચેકિંગ થતું હોય છે !
સામાન્ય રીતે વીજચેકિંગની વાત આવે ત્યારે, વિવિધ રહેણાંક વિસ્તારોમાં સવારમાં વાહનોના કાફલા અને અધિકારીઓ તથા કર્મચારીઓનું ‘લશ્કર’ જોવા મળતું હોય છે, સાથે સ્થાનિક પોલીસ અને એક્સ આર્મી પણ જોવા મળે. તમને યાદ આવે છે ? ઔદ્યોગિક વિસ્તારો અને ઉભી બજારોમાં આ રીતે વીજચેકિંગ થતું હોય ? અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર સર્કલ વીજચોરી મુદ્દે કુખ્યાત છે. અને રહેણાંક ઉપરાંત ઔદ્યોગિક, કોમર્શિયલ અને ખેતી ક્ષેત્રમાં પણ વ્યાપક વીજચોરી થઈ રહી છે.
આ અંગે Mysamachar.in દ્વારા જામનગર વીજતંત્રના અધિક્ષક ઈજનેર હર્ષિત વ્યાસને પ્રશ્ન કરવામાં આવ્યો કે, PGVCL ની રાજકોટ ખાતે આવેલી કોર્પોરેટ કચેરીએ વીજલોસ ઘટાડવા, વીજચોરી ઝડપી લેવા કોઈ મૌખિક સૂચનાઓ કે લેખિત પોલિસી આપની કચેરીને આપી છે ? એમણે જવાબ આપ્યો કે, આવી કોઈ નિર્ધારિત પોલિસી હોતી નથી, અમારાં મોનિટરીંગ દરમિયાન અમને જે વિસ્તારમાં વીજચોરી અંગેની હકીકતો મળે તે વિસ્તારમાં વીજચેકિંગ થતું હોય છે. અમારો હેતુ વીજલોસ ઘટાડવાનો તથા આવક વધારવાનો હોય છે.
અધિક્ષક ઈજનેરના આ જવાબ પરથી સમજાઈ રહ્યું છે કે, PGVCL એ ઔદ્યોગિક, ખેતી અને કોમર્શિયલ ક્ષેત્રમાં કે રહેણાંક વિસ્તારમાં વીજચોરી ઝડપી લેવા- કોઈ ચોક્કસ પોલિસી ઘડી નથી ! અધિકારીઓની મોજ પ્રમાણે વિવિધ પ્રકારના વિસ્તારોનો ‘વારો’ ચડતો હોય છે, આ સ્થિતિઓને કારણે વીજચેકિંગમાં ભેદભાવની શકયતાઓ રહેતી હોય છે અને અમુક ‘લાડલા’ વીજચોરો પોતાનું કામ આસાનીથી કરી શકતા હોય છે, આ સ્થિતિઓમાં તંત્રમાં ભ્રષ્ટાચારની પણ સંભાવનાઓ ઉભી થતી હોવાનું જાણકારો માની રહ્યા છે. આ માન્યતા સાચી હશે ?!