Mysamachar.in-અમદાવાદ:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં તમામ નાનામોટા શહેરોમાં પ્લાસ્ટિક વેસ્ટનો નિકાલ એક સરદર્દ સમાન વિષય બની ગયો છે. પ્લાસ્ટિક વેસ્ટના નિકાલનું મેનેજમેન્ટ યોગ્ય રીતે કરવામાં આવતું ન હોય, વડી અદાલતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને કડક પગલાંઓ લેવા કહ્યું છે.
જૂનાગઢનો ગિરનાર પર્વત તથા તેની આસપાસની ઈકો સિસ્ટમમાં પ્લાસ્ટિક વેસ્ટ એક ગંભીર વિષય બની ગયો છે. આ સાથે જ યાત્રાધામ બેટદ્વારકામાં પણ પ્લાસ્ટિક વેસ્ટનો નિકાલ એક સમસ્યા છે. વડી અદાલતે આ અગાઉ પણ જૂનાગઢ મહાનગરપાલિકા, રાજ્ય સરકાર અને ઓખા નગરપાલિકાને આ અંગે ઘણું કહ્યું છે. આ મામલે વધુ એક સુનાવણી થઈ છે.
વડી અદાલતે કહ્યું: રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને પાલિકાઓના વિસ્તારોમાં પ્લાસ્ટિક વેસ્ટના નિકાલનું મેનેજમેન્ટ યોગ્ય રીતે થાય તે જરૂરી છે. પ્લાસ્ટિક વેસ્ટનું પ્રદૂષણ એક મોટું દૂષણ છે. આ બાબતમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ભૂમિકા માત્ર મોનિટરીંગની નથી. બોર્ડે આ તમામ શહેરોમાં પ્લાસ્ટિક વેસ્ટ પરના પ્રતિબંધની કડક અમલવારી થાય છે કે કેમ તે પણ જોવું જોઈએ. આ ઉપરાંત બોર્ડે ફરિયાદોના આધારે આ અમલ માટે કામ કરવું જોઈએ.
વડી અદાલતે એમ પણ કહ્યું કે, શહેરોમાં પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ માટે સ્થાનિક સંસ્થાઓ દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે પરંતુ આ કામગીરીઓ આડેધડ હોય છે તેથી કાયદાનો યોગ્ય અમલ કરી શકાતો નથી, આ સ્થિતિમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાનિક કચેરીઓએ યોગ્ય પ્રક્રિયાઓ કરવી જોઈએ. કોઈ મહાનગરપાલિકા કે પાલિકા પ્લાસ્ટિક વેસ્ટ નિકાલ બાબતે ઉણી ઉતરતી હોય તો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે તે અંગે કડક પગલાંઓ લઈ સ્થાનિક સંસ્થાઓને નોટિસ પણ આપવી જોઈએ અને આ સ્થાનિક સંસ્થાઓ આ સંબંધે યોગ્ય કામગીરીઓ કરે તે માટેની જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવી જોઈએ.
અત્રે ઉલ્લેખનિય છે કે, પ્લાસ્ટિક વેસ્ટનો નિકાલ બધે જ એક મોટી સમસ્યા છે કેમ કે પ્લાસ્ટિક વેસ્ટનો નાશ થઈ શકતો નથી, તેથી તેને અન્ય કચરાથી અલગ પાડી તેના રિસાયકલીંગ માટેની વ્યવસ્થાઓ ગોઠવવી ફરજિયાત બની જાય છે. ઘણાં કિસ્સાઓમાં પ્લાસ્ટિક વેસ્ટ આડેધડ રીતે ચોક્કસ પ્રમાણમાં ફરીથી ઉપયોગમાં લેવાની ઘટનાઓ પણ બનતી હોય છે, આ બાબત અત્યંત જોખમી અને બિનઆરોગ્યપ્રદ છે, આ સ્થિતિમાં જ્યાં સુધી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાનિક કચેરીઓ ફરજનિષ્ઠ નહીં બને અને પ્લાસ્ટિક વેસ્ટ પરના પ્રતિબંધનો કડક અમલ નહીં કરાવે ત્યાં સુધી સ્થિતિઓ સુધરવાની કોઈ જ શકયતાઓ નથી.
આ બાબતે સરકારે પણ ગંભીરતા દાખવી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જરૂરી સૂચનાઓ આપવી જોઈએ તો જ વડી અદાલતના નિર્દેશ અને સૂચનાઓનો કોઈ અર્થ સરે. હાલ તો સમગ્ર રાજ્યમાં આ બાબતે ધકેલ પંચા દોઢસોની સ્થિતિઓ જોવા મળી રહી છે અને તેથી આ દૂષણ વ્યાપક બની ગયું છે.(file image)