Mysamachar.in-કચ્છ:
દમણથી જામનગર આવી રહેલો શરાબનો જથ્થો ઝડપાઈ ગયાના બીજા દિવસે, ભૂજથી જામનગર આવી રહેલો શરાબનો જથ્થો પણ ઝડપાઈ ગયો. આથી એ પ્રશ્ન સપાટી પર આવ્યો કે, જામનગરના બુટલેગરો સમગ્ર રાજ્ય અને રાજ્ય બહારથી શરાબની ચિક્કાર ‘ખરીદીઓ’ કરી રહ્યા છે ? અને, આ પ્રકારનો જે ‘માલ’ અન્ય સ્થળોએ ઝડપાતો નથી, એ ‘માલ’ જામનગર સુધી ‘સહીસલામત’ શા માટે પહોંચી જતો હોય છે ?
સામાન્ય રીતે એમ કહેવાય છે કે, બહારના વિવિધ વિસ્તારોમાંથી કચ્છમાં મોટા પ્રમાણમાં શરાબ ઠલવાય છે. આ મામલાથી વધુ એક વખત રેકર્ડ પર આવ્યું કે, કચ્છથી જામનગર સહિતના સેન્ટરમાં શરાબની વ્યાપક સપ્લાય પણ થઈ રહી છે. ભૂજની પેરોલ ફર્લો સ્કવોડને એવી બાતમી મળી કે, દારૂના ગુનામાં નાસતો ફરતો જામનગરનો આરોપી દીપક જમનાદાસ જેઠમલાણી ભૂજમાં છે. અને સફેદ રંગની કિયા સેલટોસ કાર નંબર GJ-03-ME-0434 લઈ શેખપીર તરફ જઈ રહ્યો છે. આ પાકી બાતમીના આધારે સ્કવોડે પીછો કરી કુકમા રોડ પર કારને આંતરી લીધી. કારમાં 474 બોટલ શરાબ મળી આવ્યો. કારમાં દીપકને બદલે જામનગરનો બીજો શખ્સ જીતેન્દ્ર શામજી ખાનિયા હતો.
જીતેન્દ્રની પૂછપરછમાં જાણ થઈ કે, જામનગરના કાલાવડ નાકા બહાર રહેતો યોગેશ લક્ષ્મણ પરમાર આ કારમાં શરાબ ભરીને આવ્યો હતો. આ માલ દીપકને આપવાનો હતો. પોલીસ દીપકને પકડવા ગઈ હતી પણ દીપક પકડાયો નહીં, યોગેશ પણ પકડાયો નહીં, જીતેન્દ્ર ઝડપાઈ ગયો. કચ્છમાં કોણે આ માલ કારમાં ભરી દીધો, વેચનાર પાર્ટી કોણ, તે અંગે પોલીસે ફોડ પાડ્યો નથી. દીપક વિરુદ્ધ કચ્છની પ્રાગપર પોલીસમાં પણ અગાઉ દારૂનો એક કેસ નોંધાયેલો છે. કચ્છના બે શખ્સો અંગે પોલીસ પાસે વિગત છે, એમ સૂત્ર જણાવે છે પરંતુ આ સપ્લાયરોના નામો હાલ જાહેર કરવામાં આવ્યા નથી. રાજકોટ પાસિંગની કાર કોની છે, તે પણ હવે ખબર પડશે.