Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાતમાં સેંકડો ખાનગી બસોના સંચાલકો અને માલિકો, સરકાર કડક બનતાં મૂંઝાયા છે. વડી અદાલતમાં આ બસોના ધારકો નબળાં સાબિત થતાં બસદીઠ લાખો રૂપિયા દંડ ભરવો પડી રહ્યો છે. આ મામલો હાલ રાજ્યભરમાં વિવાદી બન્યો છે. રાજ્યમાં આશરે 64,000 જેટલી ખાનગી બસો છે. જે પૈકી 5,100 બસનું રજિસ્ટ્રેશન અમદાવાદમાં થયું છે. થોડા દિવસ અગાઉ પરિવહન મંત્રી હર્ષ સંઘવીના વાહનવ્યવહાર વિભાગે એવો આદેશ બહાર પાડ્યો કે, જે ખાનગી બસ ઓલ ઈન્ડિયા ટુરિસ્ટ પરમિટ ધરાવતી હોય તે બસ સ્ટેટ કેરેજ તરીકે ધંધો કરે તો તે પરમિટ ભંગ લેખાશે. આ આદેશ બાદ જુદી જુદી RTO કચેરીઓએ કેટલીક બસો પકડી પાડી અને ટેક્સ વસૂલ કરવા નોટિસ આપી.
આ બસોના માલિકોએ RTO નોટિસને વડી અદાલતમાં પડકારી. અદાલતે બસ ઓપરેટરોને પુરાવાઓ રજૂ કરવા કહ્યું. બસ ઓપરેટરો પેસેન્જરની યાદી સહિતના પુરાવાઓ રજૂ કરી શક્યા નહીં. આથી અદાલતે બસ ઓપરેટરોને RTO માં ટેક્સ ભરી આપવા હુકમ કર્યો.
આ સમગ્ર મામલા સંબંધે એક RTO અધિકારી કહે છે: સ્ટેટ કેરેજ તરીકે માત્ર એસટી બસોને જ મંજૂરી મળે છે. અન્ય કોઈ પણ ખાનગી બસને સ્ટેટ કેરેજ તરીકે ચલાવવાની મંજૂરી આપવામાં આવતી નથી. આ ઉપરાંત સૂત્ર કહે છે: વડી અદાલતના હુકમ બાદ ડિટેઈન બસોના ઓપરેટરોએ એક સપ્તાહમાં ટેક્સ, પેનલ્ટી અને વ્યાજ સહિતની રકમ ભરવાની રહેશે. ઘણી બસોના ઓપરેટરો પાસેથી આ રકમો વસૂલવા તૈયારીઓ થઇ છે. જેમાં ખંભાળિયાની એક બસ પાસેથી રૂ. 4.90 લાખ વસૂલવામાં આવશે.(પ્રતીકાત્મક તસ્વીર)