Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં અને દેશભરમાં સાયબર ક્રાઈમની ફરિયાદોનો ધોધ વહી રહ્યો છે. આવી વધુ એક ફરિયાદ જામનગરના મોટી ખાવડીમાં રહેતાં એક વ્યક્તિએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ડીજીટલ એરેસ્ટ સંદર્ભેની એક ફરિયાદ દાખલ કરાવી છે.
જામનગરના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે રાત્રે 9 વાગ્યે એક ડીજીટલ એરેસ્ટની એક ફરિયાદ દાખલ થઈ. જેમાં ફરિયાદીનું નામ મેહુલભાઈ રમાકાંતભાઈ પંજી છે. 55 વર્ષના આ ફરિયાદી ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને મોટી ખાવડી ટાઉનશિપમાં વસવાટ કરે છે. તેઓ સુરતની મહાલક્ષ્મી સોસાયટીના રહેવાસી છે. હાલ મોટી ખાવડીમાં રહે છે.
ફરિયાદી કહે છે: ગત્ 22મી માર્ચે સવારે આઠથી રાત્રિના આઠ દરમિયાન મારી સાથે રૂ. 13 લાખની છેતરપિંડી થઈ. 2 શખ્સોએ મને દબડાવીને મારી પાસેથી રૂ. 13 લાખ બળજબરીથી કઢાવી લીધાં. આ 2 શખ્સો પૈકી એકનું નામ ગૌરબ મંગલ છે. બીજાનું નામ ખબર નથી. બીજા આરોપીના મોબાઈલ નંબર અને ગૌરબના બેંક એકાઉન્ટ નંબર ફરિયાદીએ ફરિયાદમાં લખાવ્યા છે. આ એકાઉન્ટ AU બેંકમાં છે.
ફરિયાદીએ ફરિયાદમાં કહ્યું છે: આ કામના આરોપીઓએ પોતે પોલીસ છે એવી ખોટી ઓળખ આપી હતી. આ આરોપીઓએ CBI અને મુંબઈ ક્રાઈમ બ્રાંચના બનાવટી લેટર ફરિયાદીને વોટ્સએપ પર મોકલ્યા હતાં. આરોપીઓએ ફરિયાદીને NDPS ના ગુનાનો તથા આજિવન કેદનો ડર દેખાડી, ફરિયાદીને ધમકાવી NDPS ના કેસમાંથી નામ કાઢવાના બદલામાં રૂ. 13 લાખની માંગ કરી. આ રકમ બળજબરીથી ગૌરબ મંગલ નામના શખ્સના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધાં.
જામનગર સાયબર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર આઈ.એ.ધાસુરાએ કહ્યું ડીજીટલ એરેસ્ટની આ ઘટનામાં ફરિયાદની ગંભીરતાને ધ્યાને લઇ તપાસ હાથ ધરવામાં આવી અને 3 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે, આ ત્રણ પૈકી અન્ય બે આરોપીઓના નામો સહિતની સીલસીલાબંધ વિગતો આજે પોલીસ જાહેર કરશે. (symbolic image source:google)