Mysamachar.in-મહેસાણા:
ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટી ચાલી રહી છે તે દરમિયાન ગઈ કાલે મહેસાણા ખાતે એક બોગસ ઉમેદવાર પકડી પાડવામાં આવ્યો છે. ઉમેદવારે ટેકનોલોજીના માધ્યમથી કોલલેટરમાં ચેડાં કરી પોતાના નામનો ખોટો કોલલેટર બનાવ્યો હતો. સમગ્ર મામલે મહેસાણા એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સતર્કતા દાખવીને બોગસ ઉમેદવારને પડકી પાડનાર પોલીસ અધિકારીને રાજ્યના પોલીસ વડા દ્વારા ઇનામ આપવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે,
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા રાજ્યભરમાં અલગ-અલગ ૧૫ ગ્રાઉન્ડ ખાતે શારીરિક કસોટી પ્રક્રિયા તા.08/01/2025 થી ચાલી રહી છે. શારીરિક કસોટી દરમ્યાન કોઇપણ પ્રકારની ગેરરીતિ ન થાય અને સંપૂર્ણ પારદર્શિતા સાથે સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે ઉચ્ચ સ્તરીય મોનીટરીંગ સાથે ભરતી બોર્ડ દ્વારા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ સાથે પુરતા પગલા લેવામાં આવી રહ્યા છે.
તે દરમિયાન તા.22/01/2025ના રોજ મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉમેદવારોની રજીસ્ટ્રેશન પ્રક્રિયા દરમ્યાન એક બોગસ ઉમેદવાર પકડી પાડવામાં આવ્યો છે. એક ઉમેદવાર તેના મિત્રના કોલલેટરનો ઉપયોગ કરી, ટેકનોલોજીના માધ્યમથી કોલલેટરમાં નામ અને સરનામાની વિગતોમાં Editing કરી, પોતાના નામનો ખોટો કોલલેટર બનાવી ભરતી પ્રક્રિયામાં ભાગ લેવાનો પ્રયત્ન કરતાં પકડી પાડવામાં આવ્યો છે. આ બોગસ ઉમેદવાર વિરૂધ્ધ મહેસાણા એ-ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે બી.એન.એસ. અધિનિયમ કલમ 336(2) અને 340(2) મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.