Mysamachar.in: ગુજરાત
GPSCના ટૂંકા નામે જાણીતું ગુજરાત જાહેર સેવા આયોગ રાજ્યમાં ઘણાં પ્રકારની ભરતીઓ સંબંધિત પરીક્ષાઓ લ્યે છે. આમ તો આ આયોગની છાપ બહુ સારી નથી, ઘણી વખત આયોગ વિરુદ્ધ અસંતોષ વ્યક્ત થતો રહે છે અને લાલિયાવાડીઓ પણ બહાર આવતી હોય છે. જો કે આયોગે 3 નવા નિર્ણય જાહેર કર્યા છે, જે નોકરી ઈચ્છતા ઉમેદવારો માટે પ્રોત્સાહન આપનારા સાબિત થશે.
GPSCના ચેરમેન હસમુખ પટેલએ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ એક્સ પર જાહેરાત કરી છે. એમના કહેવા અનુસાર, હવેથી જે જગ્યાઓની ભરતીઓ માટે અનુભવની જરૂરિયાત નહીં હોય તેવી ભરતી પરીક્ષાઓ, કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતાં યુવાઓ પણ આપી શકશે. આ ઉપરાંત જાહેરાતમાં કહેવાયું છે કે, આયોગમાં જે ઉમેદવારો ઈન્ટરવ્યૂ માટે આવશે એમને સવારે નાસ્તામાં ફળો તથા બપોરે ભોજન આપવામાં આવશે.આ સાથે જ હસમુખ પટેલએ કહ્યું છે કે, નિબંધલક્ષી પરીક્ષાઓમાં આયોગને સારાં પરીક્ષકો ઉપલબ્ધ થઈ શકે તે માટે, પ્રશ્નપત્ર તપાસનારને આયોગ દ્વારા બમણું મહેનતાણું આપવામાં આવશે. આયોગના આ ત્રણ નિર્ણયોથી આયોગની પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે.