Mysamachar.in: જામનગર
જામનગર મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની ટીમ દ્વારા તાજેતરમાં એક સારૂં કામ ભૂગર્ભ વિભાગ સાથે શરૂ કરવામાં આવ્યું છે. આ કામગીરીઓ શહેરીજનોના વિશાળ હિત માટે ચાલુ રહેવી જોઈએ. શહેરમાં હોટેલ અને રેસ્ટોરન્ટના જે ધંધાર્થીઓ પોતાના બિઝનેસનો વેસ્ટ ગેરકાયદેસર રીતે ભૂગર્ભ ગટરમાં ઠાલવે છે તે ધંધાર્થીઓને દંડિત કરવામાં આવી રહ્યા છે, કારણ કે આ પ્રકારની ધંધાર્થીઓની પ્રવૃત્તિઓથી શહેરની ઘણી ભૂગર્ભ ગટરો ચોકઅપ થઈ રહી છે.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે આવા ધંધાર્થીઓને દંડવાનું કામ શરૂ કર્યું છે, આ કામગીરીઓની વર્ષોથી જરૂરિયાત હતી. આ વિભાગે કામગીરીઓ શરૂ કરી તો, બીજું વિઘ્ન આવી ગયાનું જાણવા મળે છે.અત્યંત આધારભૂત સૂત્રના જણાવ્યા અનુસાર, હોટેલ અને રેસ્ટોરન્ટના ધંધાર્થીઓના આ ‘પાપ’ ને કેટલાંક લોકો ઉત્તેજન આપી રહ્યા છે !
સૂત્રના કથન મુજબ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે હોટેલ અને રેસ્ટોરન્ટ ધંધાર્થીઓને દંડવાનું શરૂ કરતાં, શાસકપક્ષના અને વિપક્ષના કેટલાંક ‘નેતાઓ’ એમ ઈચ્છી રહ્યા છે કે, ધંધાર્થીઓને દંડવામાં ન આવે ! આવા ધંધાર્થીઓને બચાવી લેવાની ગતિવિધિઓ પણ આવા આગેવાનો દ્વારા ખાનગીમાં શરૂ થઈ હોવાનું કહેવાય છે. સૂત્ર કહે છે: ઘણાં સ્થાનિક અગ્રણીઓ હોટેલ અને રેસ્ટોરન્ટ ધંધાર્થીઓ સાથે ‘સ્વાદિષ્ટ’ સંબંધ ધરાવે છે.
પરંતુ અત્રે ઉલ્લેખનિય છે કે, આ અગ્રણીઓ પૈકી ઘણાં લોકો અવારનવાર ભૂગર્ભ ગટર અંગે કોર્પોરેશનમાં અન્ય પ્રકારની ફરિયાદો પણ કરતાં હોય છે પરંતુ હોટેલ અને રેસ્ટોરન્ટ ધંધાર્થીઓને આ બાબતે ખુદ તેઓ જ બચાવી રહ્યા છે ! સ્થાનિક અગ્રણીઓએ આવું દોગલાપણું ન દાખવવું જોઈએ એવો ગણગણાટ કોર્પોરેશનમાં જ ચોક્કસ વિભાગોમાં સંભળાઈ રહ્યો છે.
જો કે, મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા તથા ભૂગર્ભ ગટર શાખા સાથે સંકળાયેલા સૂત્રોના કહેવા અનુસાર, કેટલાંક સ્થાનિક અગ્રણીઓને ભલે આ કામગીરીઓ પસંદ ન હોય તો પણ આ કડક કામગીરીઓ આગામી દિવસોમાં પણ ચાલુ જ રહેશે અને આ પ્રકારના કસૂરવાર ધંધાર્થીઓને દંડવામાં આવશે જ, કોઈની પણ ભલામણ ચાલશે નહીં કેમ કે આ આખો મામલો નગરજનોના આરોગ્ય અને શહેરની સ્વચ્છતા સાથે સંબંધિત છે. કારણ કે, ભૂગર્ભ ગટરમાં ગેરકાયદેસર રીતે વેસ્ટ ઠાલવવાથી મોટી સમસ્યાઓ સર્જાઈ શકે છે. જાણકારોના મતે, તંત્રને મોડેમોડે પણ જ્ઞાન થયું હોય, આ કામગીરીઓ હવે વેગવંતી બનાવવી જોઈએ અને હોટેલ તથા રેસ્ટોરન્ટના તોતિંગ વેસ્ટના યોગ્ય નિકાલ માટે આખા શહેરમાં વ્યવસ્થાઓ ગોઠવાવી જોઈએ.