Mysamachar.in: ગાંધીનગર
સમયની ગતિ નાણાંકીય વર્ષના અંત તરફ આગળ વધી રહી હોય, મહાનગરો અને જિલ્લા પંચાયતોથી માંડી, ગાંધીનગર અને દિલ્હીમાં પણ વાર્ષિક અંદાજપત્રોની મોસમનો પ્રારંભ થઈ ગયો છે. રાજ્યની વાત કરીએ તો, ગુજરાતનું બજેટ 20 ફેબ્રુઆરીએ રજૂ થઈ જશે. નાણાંમંત્રી કનુ દેસાઈ ભૂપેન્દ્ર પટેલ સરકારનું આ વખતે બીજું બજેટ રજૂ કરશે. ગત્ વર્ષે પણ એમણે જ બજેટ રજૂ કરેલું.
સચિવાલય વર્તુળોએ આપેલી માહિતી અનુસાર, આગામી 19 ફેબ્રુઆરીએ વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત થઈ જશે. અને, 28 માર્ચ સુધી ચાલનારા આ સત્રમાં, સત્ર પ્રારંભના બીજા જ દિવસે એટલે કે 20 ફેબ્રુઆરીએ નાણાંમંત્રી કનુ દેસાઈ રાજ્યનું વર્ષ 2025-26 માટેનું બજેટ રજૂ કરશે. આ બજેટનું કદ રૂ. 3,70,000 કરોડ રહેશે. બજેટ સત્ર દરમિયાન નવા જંત્રીદરની જાહેરાત પણ શક્ય છે. કેમ કે, નવા જંત્રીદર સંબંધિત વાંધાસૂચન લોકો પાસેથી મંગાવવાનો કાલે 20 જાન્યુઆરીએ છેલ્લો દિવસ હતો. સરકાર પાસે ફીડબેક પહોંચી ગયેલ હોય, સરકાર હવે આ સંબંધે નિર્ણય લઈ શકશે.
સૂત્રના કથન મુજબ, બજેટ સત્ર કુલ 38 દિવસનું છે તેમાં શનિ-રવિ અને અન્ય રજાઓ બાદ કરો તો સત્રના કામકાજના દિવસો 26 રહેશે. આ 26 દિવસમાં 27 બેઠક મળશે. સત્રના પ્રથમ દિવસે 19 ફેબ્રુઆરીએ બપોરે 12 કલાકે રાષ્ટ્રગીતની ધૂન બાદ રાજ્યપાલ વિધાનસભા ગૃહની આ બેઠકને સંબોધશે. પછી શોકાંજલિ પ્રસ્તાવ પસાર થશે જેમાં સદગત પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ મંત્રીઓને શોકાંજલિ અર્પણ કરવામાં આવશે.
સત્રના બીજે દિવસે 20 ફેબ્રુઆરીએ પ્રથમ એક કલાક પ્રશ્નોતરી માટે રહેશે. બાદમાં નાણાંમંત્રી વર્તમાન નાણાંકીય વર્ષ માટેનું પૂરક બજેટ રજૂ કરશે. ત્યારબાદ, આગામી નાણાંકીય વર્ષ 2025-26 માટેનું અંદાજિત રૂ. 3,70,000 કરોડના કદનું બજેટ રજૂ થશે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના જણાવ્યા અનુસાર, 21 થી 23 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યપાલના ગૃહને સંબોધન પરના આભાર પ્રસ્તાવ પર ચર્ચાઓ થશે.
આ ચર્ચાઓ બાદ 4 દિવસ સુધી બજેટ પરની સામાન્ય ચર્ચાઓ થશે. આ સત્ર દરમિયાન વિપક્ષનું સંખ્યાબળ નોંધપાત્ર નથી, અને હવે બજેટ પર અગાઉ જેવી મજબૂત અને અભ્યાસુ ચર્ચાઓ પણ થતી ન હોય, સરકાર બજેટ સત્ર દરમિયાન ઘેરાઈ જાય એવી શકયતાઓ ઓછી છે.