Mysamachar.in-જામનગર:
ધંધાર્થીઓ સહિત કરોડો લોકો, એકમેકની જરૂરિયાત સંબંધે એકમેકને નાણાં ધીરતાં હોય છે, સરકાર કહે છે લોકોના વિશાળ હિતને ધ્યાનમાં રાખી આ પ્રકારની નાણાંકીય લેવડદેવડ પર અંકુશ લગાવવામાં આવશે. આ માટેનો ડ્રાફ્ટ જાહેર થયો છે, સરકારે લોકોના વાંધાસૂચન મંગાવ્યા છે. આ વિષય સંબંધે જામનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા સૂચિત કાયદાનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે.
જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ મનોજ કથીરીયાએ લેખિતમાં પ્રચાર પ્રસાર માધ્યમો સમક્ષ કહ્યું છે કે, બેનિંગ ઓફ અનરેગ્યુલર એક્ટિવિટી (BULA) નામનો એક્ટ આવી રહ્યો છે, ડ્રાફ્ટ જાહેર થયો છે, લોકો પાસેથી વાંધાસૂચન મંગાવાયા છે. આ સૂચિત એક્ટને કારણે હાથઉછીના નાણાંની લેવડદેવડ પર નિયંત્રણ આવી જશે. કાયદા માટેની કેટલીક વ્યાખ્યાઓ અસ્પષ્ટ છે. કાયદાના પાલન માટેની સંબંધિત ઓથોરિટી સહિતની સ્પષ્ટતાઓ કરવામાં આવી નથી.
મનોજ કથીરીયાએ વધુમાં કહ્યું છે: આ સૂચિત કાયદા અનુસાર આવી લોન આપવી અલગ ગુનો અને આપેલી રકમ પરત મેળવવી અલગથી ગુનો લેખાશે. આ કાયદામાં પેનલ્ટી અને સજા આકરી છે. આ કાયદો સ્પષ્ટતાઓ વગર ઉતાવળે લાવવામાં આવી રહ્યો છે. આ અંગે લોકો સમક્ષ જરૂરી વિગતો મૂકવામાં આવી નથી. જિલ્લાઓના પોલીસ વિભાગને આ માટે વધુ પડતી સતાઓ આપવામાં આવી છે, જેનો દુરુપયોગ થઈ શકે છે. દેશભરમાં નાના ઉદ્યોગ વેપારને આસાનીથી બેંક ધિરાણ મળી રહે તે માટેની માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવ્યા વગર, આ કાયદો લાવવાથી ધંધાર્થીઓ નષ્ટ થશે. ગ્રામીણ ભારતના 87 ટકા ગરીબ લોકો ધિરાણ મેળવી શકે તેવી વ્યવસ્થાઓ નથી. આ સ્થિતિમાં નવો કાયદો નુકસાનકારક સાબિત થઈ શકે એમ હોય, કાયદો ન લાવવો જોઈએ એમ મનોજ કથીરીયાએ અંતમાં જણાવ્યું છે.