Mysamachar.in: અમદાવાદ
આજના જમાનામાં જેમ જેમ ટેકનોલોજી આધુનિક થઇ રહી છે તેમ તેમ વાહનોમાં આધુનિકતા આવી રહી છે, જેનો ભરપુર ફાયદો કેટલાક વાહનચાલકો ઉઠાવે છે તેનાથી કોઈ વાંધો ના હોય શકે પરંતુ વાહનો ચલાવતી વખતે જો ગફલતભરી રીતે ચલાવીએ અથવા વધુ પડતા ઉત્સાહમાં આવી ને વાહન હાઈસ્પીડે હંકારવા લાગીએ તો મોતને ભેટવું પડે છે અથવા કોઈપણ શારીરિક ખોડખાપણ આજીવન રહે છે તેના કરતા વાહનોને નિયત મર્યાદાઓ ચલાવી અને થઇ શકે તેટલો પોતાનો બચાવ કરવો જોઈએ
એક આંકડાઓ મુજબ ગુજરાતમાં 2019થી 2023 દરમિયાન 77 હજારથી વધુ માર્ગ અકસ્માતમાં 36484 લોકોના મોત નીપજ્યાં જેમાં સૌથી ગંભીર કહી શકાય તેવી બાબત એ છે કે આ અકસ્માતોમાં 54% એટલે કે 19709 લોકોની ઉંમર 35 વર્ષથી ઓછી હતી.હવે વિચારો કોઈનો ભાઈ તો કોઈનો પતિ તો કોઈનો પિતા આ અકસ્માતમાં ગુમાવ્યો હશે તે પરિવારની સ્થિતિ આજે પણ કેવી હશે…?
આંકડાઓ તો એમ પણ કહે છે કે હેલમેટ ન પહેરવાના કારણે 12,002 અને સીટ બેલ્ટ ન બાંધવાના કારણે 4,747 લોકોએ જીવ ગુમાવ્યો. તો 6503 હિટ એન્ડ રનમાં મૃત્યુ પામ્યા. પાંચ વર્ષમાં રાજ્યમાં 6503 લોકોના મોત હિટ એન્ડ રનમાં થયા હતા. જે કુલ મોતના 18 ટકા છે. શહેર કરતાં ગામડાંમાં વધુ અકસ્માત નોંધાયા હતા. એક્સપ્રેસ, નેશનલ હાઇવે કે સ્ટેટ હાઇવે પર નહીં પરંતુ સામાન્ય રોડ-રસ્તા પર સૌથી વધુ 15347 અકસ્માત થયા હતા.
પાંચ વર્ષમાં હેલમેટ ન પહેરવાના કારણે 12,022 લોકોના મોત નીપજ્યાં હતા. જેમાં સીટ પાછળ બેસેલ પેસેન્જર પણ સામેલ હતા. 4747નું સીટ બેલ્ટ ન બાંધવાના કારણે મોત નીપજ્યું હતું. 5323 અકસ્માતમાં ડ્રાઇવર પાસે લાઇસન્સ નહોતું. જે આ સમયગાળા દરમિયાન થયેલા કુલ 77 હજારથી વધુ અકસ્માતના 8% છે.આમ અકસ્માતોમાં મહામુલી જિંદગી ગુમાવી બેસવી તેના કરતા સલામતીથી જો ડ્રાઈવ કરીએ તો ચાલકનું પોતાનું અને સામેવાળાનું જીવણ પણ બચી શકે છે.
ફાઈલ ઈમેજ