Mysamachar.in-મોરબી:
વર્ષ 2022ના ઓક્ટોબર માસમાં મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો અને 135 લોકો મરણને શરણ થયા હતાં. ત્યારબાદ, આટલાં લાંબા સમય સુધી સીટ દ્વારા તપાસ અને વડી અદાલતમાં કાર્યવાહીઓ ચાલી. પરંતુ આ દુર્ઘટનાના પીડિતો આજની તારીખે એવું મહેસૂસ કરી રહ્યા છે કે, આ મામલામાં હજુ કંઈક અધૂરપ છે. આથી, પીડિતો પહોંચી ગયા સુપ્રિમ કોર્ટમાં. સુપ્રિમ કોર્ટે લીધેલાં વલણ પરથી એવું સમજાઈ રહ્યું છે કે, આ મામલામાં નવેસરથી તપાસ શરૂ થઈ શકે છે. જો આમ થશે તો, કાનૂની જંગ તરીકે આ એક મોટી લડાઈ સાબિત થઈ શકે છે.
આ મામલાની ફેરતપાસની માંગ સાથે પીડિતો વધુ એક વખત સુપ્રિમ કોર્ટમાં આવી શકે છે- એવી મંજૂરી સુપ્રિમ કોર્ટે પીડિત પક્ષને આપી. આ અગાઉ પીડિત પક્ષે રાજ્યની વડી અદાલતમાં એવી માંગ કરેલી કે, આ મામલામાં થયેલું ચાર્જશીટ રદબાતલ કરવામાં આવે. અને, બીજી માંગ એ હતી કે, મામલાની નવેસરથી તપાસ કરવામાં આવે. આ બાબતે પીડિત પક્ષે સુપ્રિમ કોર્ટમાં બે સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરેલી. અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાત હાઇકોર્ટે પીડિત પક્ષની આ બે માંગ અગાઉ ફગાવી દીધી હતી. આથી પીડિત પક્ષ સુપ્રિમ કોર્ટમાં પહોંચી ગયો હતો.
સુપ્રિમ કોર્ટે બંધારણની કલમ-32 મુજબ, પીડિત પક્ષને નવી પિટિશન ફાઇલ કરવા મંજૂરી આપી. આ કલમ નાગરિકને મૂળભુત અધિકારોના રક્ષણ માટે સુપ્રિમ કોર્ટમાં જવાનો અધિકાર આપે છે. અદાલતે કહ્યું: આ નવી પિટિશન બંધારણના અનુચ્છેદ 136 મુજબ ન થઈ શકે. અનુચ્છેદ 136 સુપ્રિમ કોર્ટને કોઈ પણ અદાલતના કે ટ્રિબ્યુનલના આદેશને સ્પેશિયલ લીવ પિટિશન દ્વારા સુપ્રિમ કોર્ટમાં પડકાર આપતી અપીલને મંજૂરી આપવા સુપ્રિમ કોર્ટને સતાઓ આપે છે.
પીડિત પક્ષે વડી અદાલતમાં એવી પણ માંગ કરેલી કે, CBI જેવી કોઈ એજન્સી આ દુર્ઘટનાની ફેરતપાસ કરે. પરંતુ વડી અદાલતે આ માંગ ફગાવી દીધી હતી. પીડિત પક્ષે સુપ્રિમ કોર્ટમાં એમ પણ કહ્યું કે, આ દુર્ઘટનાની તપાસ દરમિયાન જિલ્લા કલેક્ટરને આ મામલાની ખામીઓ બદલ કયાંય જવાબદાર ઠેરવવામાં આવ્યા નથી. સુપ્રિમ કોર્ટ દ્વારા પીડિત પક્ષને આ મંજૂરી આપવામાં આવી ત્યારે, વડી અદાલતના હુકમ અંગે પણ ચોક્કસ પ્રકારની કોમેન્ટ કરવામાં આવી. વડી અદાલતમાં પીડિત પક્ષના અરજદારોને સંતોષ થયો નથી.(FILE IMAGE)