Mysamachar.in: જામનગર
જામનગર સહિત સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં આશરે 20,000 લોકો સતત મોતના ઓથાર હેઠળ જિંદગીઓ જિવી રહ્યા છે, કારણ કે તેઓ હાઉસિંગ બોર્ડના જે ક્વાર્ટરમાં રહે છે તે મકાનો ગમે ત્યારે પતાના મહેલ માફક તૂટી પડે એમ છે, આ રીતે ઘણાં મકાનો નજીકના ભૂતકાળમાં તૂટી પણ પડ્યા છે અને આ કાટમાળ હેઠળ ઘણી જિંદગીઓ મોતને ભેટી પણ છે- છતાં રિ-ડેવલપમેન્ટ પોલિસી બાબતે રાજ્ય સરકાર અને હાઉસિંગ બોર્ડ ગંભીર નથી, બેમતલબ રીતે સમયનો વેડફાટ થઈ રહ્યો છે- વધુ જિંદગીઓ આ કાટમાળ હેઠળ મોતને ભેટશે તો ?! જવાબદારીઓ કોની ?
સંવેદનશીલ હોવાનો દાવો કરતી સરકાર આ મામલામાં માત્ર કાગળિયા ચૂંથે છે, એકઝાટકે નીતિગત નિર્ણય કરતી નથી. રસ્તો શોધી શકતી નથી. સાતસાત વખત એક જ કામના ટેન્ડર બહાર પાડયે રાખે છે, નિષ્ફળ થાય છે છતાં સરકાર નિષ્ફળતાના કારણો શોધી શકતી નથી. નિષ્ફળતા ધ્યાનમાં રાખી નવો ઉપાય શોધતી નથી, આ સ્થિતિઓમાં આ 20,000 લોકો પૈકી વધુ પાંચ પચ્ચીસેક માણસો મોતને ભેટશે, તો ?! સરકાર વધુ એક મોતકાંડની રાહ જૂએ છે ?!
જામનગરના હાઉસિંગ બોર્ડના 624 સહિત રાજકોટ, ભાવનગર, અમરેલી, મોરબીમાં કુલ 4,403 ક્વાર્ટર જર્જરિત છે! જેમાં 20,000થી વધુ લોકો રહે છે. આ પૈકી કેટલાંક જર્જરિત ક્વાર્ટર તોડી પાડવામાં આવ્યા છે. રિ-ડેવલપમેન્ટ પ્લાન અંતર્ગત સરકાર અહીં નવા ક્વાર્ટર બનાવવા ચાહે છે, પરંતુ આ માટે સરકારે પાંચ પાંચ સાત સાત વખત ટેન્ડર બહાર પાડ્યા બાદ પણ કોઈ કોન્ટ્રાક્ટર આ કામો કરવા તૈયાર નથી. આ સ્થિતિમાં વારંવાર ટેન્ડર જાહેર કરવાનો અર્થ નથી. સરકારે પોલિસીમાં ફેરફાર કરી નાંખવો જોઈએ.
જામનગરમાં હાઉસિંગ બોર્ડના 624 જર્જરિત ક્વાર્ટર ઉપરાંત મહાનગરપાલિકા હસ્તકના 1,404 આવાસનો પ્રશ્ન પણ ગંભીર છે. સરકાર ઉપાય ન શોધી શકે, એ કેવી સ્થિતિઓ કહેવાય ?! જાણકારો ત્યાં સુધી કહે છે કે, સરકારે નવી નીતિ બનાવી કોર્પોરેશનના તથા આર એન્ડ બી ના ઈજનેરો અને અધિકારીઓને કામ સોંપી અહીં લેબર કોન્ટ્રાકટ મારફતે રાતોરાત નવા ક્વાર્ટર બનાવી લેવા જોઈએ, બિલ્ડર્સની દાઢીમાં સરકારે શા માટે હાથ નાંખવો જોઈએ. સરકાર પાસે કરોડો રૂપિયા છે, હજારો અધિકારીઓ છે, ટાઉન પ્લાનિંગ જેવા વિભાગો છે, કર્મચારીઓની મોટી ફૌજ છે- સરકારની નિયત હોય તો, સરકાર માટે કોઈ કામ અશક્ય નથી. સરકાર ધારશે ?? હજારો લોકોને મોતના મુખમાં જતાં બચાવશે ? કે, વધુ એક ગોઝારા મોતકાંડનો ઈંતજાર કરશે ?!!