Mysamachar.in-જામનગર:
રાજ્યના હવામાન વિભાગે 3 દિવસ અગાઉ આગાહી કરેલી કે, રાજ્યમાં 26 થી 28 ડિસેમ્બર દરમિયાન વિવિધ જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ માવઠાંના રૂપમાં વરસી શકે છે. આ આગાહી મુજબનું વાતાવરણ સમગ્ર રાજ્યમાં 2-3 દિવસથી અનુભવાઈ રહ્યું છે. જામનગર સહિત સમગ્ર રાજ્યમાં વરસાદી વાતાવરણ છે અને અમદાવાદ સહિત આઠેક તાલુકાઓમાં તો વરસાદ વરસ્યો પણ છે અને વરસી પણ રહ્યો છે.
આજના દિવસ માટે પણ હવામાન વિભાગે ફરી તાજી આગાહી આપી કે, આજે સવારે સાડા દસ અગિયાર વાગ્યા સુધીમાં સૌરાષ્ટ્રના જૂનાગઢ અને અમરેલી સહિતના રાજ્યના આઠેક જિલ્લાઓમાં વરસાદની સંભાવનાઓ છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, જામનગર શહેર અને પંથકમાં લાખો લોકો ત્રણેક દિવસથી સૂરજનો હુંફાળો તડકો ઈચ્છે છે પરંતુ વાદળો સુરજને ઢાંકી દે છે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ સારૂં એવું રહેતું હોય લોકો એવું ફીલ કરી રહ્યા છે કે, હમણાં વરસાદ તૂટી પડશે ! એમાંયે આજે સવારથી તો જામનગરમાં આ વાતાવરણ વધુ ઘેરું બની ગયું છે. જો કે લઘુતમ તાપમાનનો પારો 16.5 ડિગ્રી નોંધાયો છે તો પણ વાતાવરણમાં રહેલાં 72 ટકા જેટલાં ભેજ અને ઠંડા પવનની લહેરખીઓને કારણે શહેર અને પંથકમાં સર્વત્ર સામાન્ય શીતલહેરની સ્થિતિઓ સાથે વરસાદી વાતાવરણ અનુભવવા મળી રહ્યું છે. જેને કારણે નગરજનો તડકો શોધી રહ્યા છે.

-યાર્ડ આંશિક ચાલુ, ટેકાના ભાવે ખરીદી સંપૂર્ણ બંધ
હવામાન વિભાગની આગાહીને લઈને આજથી જામનગરના હાપા યાર્ડમાં ખરીદી આંશિક રીતે બંધ કરી દેવામાં આવી છે, ખુલ્લામાં ઉતરતી જણસો જેવી કે ડુંગળી અને કપાસની આવક બંધ ગુણીઓમાં આવતી જણસો લેવામાં આવશે જયારે ટેકાના ભાવે જામનગરમાં લેવામાં આવતી મગફળીની ખરીદી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે અને આ પ્રક્રિયા આજે અને આવતીકાલે યથાવત રહેશે