Mysamachar.in: જામનગર
આવતાં સપ્તાહે 31મી ડિસેમ્બરે, મંગળવારે જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિ. દીક્ષાંત સમારોહ યોજવા જઈ રહી છે. જેમાં રાજ્ય સરકાર તરફથી રાજ્યપાલ અને આરોગ્યમંત્રી ઉપસ્થિત રહેશે અને યુનિ.એ આ માટેના સત્તાવાર સમારોહની જાહેરાત કરી દીધી છે.
ગુજરાત આયુર્વેદ યુનિ.એ કરેલી જાહેરાત અનુસાર, આગામી મંગળવારે આ સમારોહનો આરંભ સવારે 11 વાગ્યાથી ધનવંતરિ મંદિર ઓડિટોરીયમ ખાતે થશે. જેમાં યુનિ.ના કુલપતિ( હોદ્દાની રૂએ)અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, કેન્દ્રીય આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચા અને રાષ્ટ્રીય આયુર્વેદ વિદ્યાપીઠના અધ્યક્ષ વૈદ્ય દેવેન્દ્ર ત્રિગુણા ઉપસ્થિત રહેશે. ગુજરાત આયુર્વેદ યુનિ.ના પ્રભારી રજિસ્ટ્રાર ડો. અશોક ચાવડાના માર્ગદર્શન હેઠળ સમગ્ર સમારોહની તૈયારીઓ ચાલી રહી છે.
જામનગર જીજી હોસ્પિટલની સમીક્ષા બેઠક હાલ નહીં
સમગ્ર સૌરાષ્ટ્રમાં સિવિલ હોસ્પિટલોની સમીક્ષાઓ માટેનો કાર્યક્રમ આયોજિત થયો છે, રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આ કામગીરીઓ માટે સૌરાષ્ટ્રના પ્રવાસે છે. રાજકોટ સહિતના શહેરોમાં સિવિલ હોસ્પિટલની સમીક્ષાઓ થનાર છે. Mysamachar.in સાથેની ટેલિફોનિક વાતચીતમાં જીજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. દિપક તિવારીએ જણાવ્યું છે કે, હાલ જાહેર થયેલા સમીક્ષા કાર્યક્રમમાં જામનગરનો સમાવેશ નથી.