Mysamachar.in-ગાંધીનગર:
વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓમાં ગુજરાતના કરોડો મતદારોએ ‘એકતરફી’ મતદાન કરી શાસકપક્ષને શાસનનો ‘પીળો પરવાનો’ આપી દીધો અને વિપક્ષને સાફ કરી દીધો. જેને કારણે આ કરોડો મતદાતા આજે સરકારના ઓશિયાળા બની ગયા, મતદારોએ હવે પોતાની આ ‘ભૂલ’ સહન કરવી પડી રહી છે- રાજ્યમાં કરોડો નાગરિકો પાસે ઘણાં લાંબા સમયથી પોતાનો સ્થાનિક ચૂંટાયેલો પ્રતિનિધિ નથી. કરોડો મતદારો અધિકારીરાજ સહન કરવા મજબૂર બની ગયા- કેમ કે લાંબા સમયથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ થઈ નથી. વહીવટદારો કરોડો લોકોના ‘બોસ’ બની બેઠાં છે. અને, વધુ કમનસીબ બાબત એ પણ છે કે, હજુ અમુક મહિનાઓ સુધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થઈ શકશે નહીં કારણ કે, સરકાર અન્ય કામોમાં વ્યસ્ત છે અને રહેશે તેમ સુત્રો માહિતી આપતા જણાવે છે,
જો સુત્રોનું માનીએ તો આગામી સમયમાં રાજ્યનું બજેટ રજૂ કરવા, તમામ મંત્રીઓ- સચિવાલય-સરકાર અને શાસકપક્ષ જુદીજુદી રીતે વ્યસ્ત છે. આ ઉપરાંત આગામી 17 ફેબ્રુઆરીથી 28 માર્ચ સુધી રાજ્યની વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું હશે, એટલે સરકાર અને ચૂંટણીપંચ વહેલામાં વહેલી એપ્રિલ મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ જાહેર કરી શકે તો પણ, છેક મે મહિનામાં ચૂંટણીઓ થઈ શકે. ત્યાં સુધી હજુ રાજ્યની બે જિલ્લા પંચાયત ખેડા અને બનાસકાંઠા, 4,765 ગ્રામ પંચાયતો, 74 પાલિકાઓ અને 17 તાલુકા પંચાયતોમાં અધિકારીરાજ જ રહેશે. જૂનાગઢ મહાનગરપાલિકાની મુદ્દત પણ પૂર્ણ થઈ ચૂકી છે અને જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીઓને પણ હવે લાંબો સમય બાકી નથી. મતદારો સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિના જ અધિકારીઓ સામે હાથ જોડવા મજબૂર છે.(file image)