Mysamachar.in-ગાંધીનગર:
જામનગર સહિતના શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં તથા અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં ‘આરોગ્ય કેમ્પ’નું બેનર લટકાવી, ફોટાઓ ખેંચાવી અને ‘સેવા’નો દેખાવ કરવો તથા તેની આડમાં ડોક્ટરો અને ખાનગી હોસ્પિટલો માટે ‘શિકાર’ અથવા ‘ઘરાક’ એકત્ર કરવા- આ મોડસ ઓપરેન્ડી ઘણાં વર્ષો ચાલી. હવે, આ બાબતે સરકાર જાગી. અમદાવાદના કુખ્યાત ખ્યાતિકાંડ બાદ સરકાર જાગી. અને, નવી SOPમાં આ પ્રકારના આરોગ્ય કેમ્પ માટે પણ સ્પષ્ટતાઓ જાહેર કરી છે.
PMJAY યોજનામાં એક અર્થમાં જૂઓ તો, ‘મોટો ધંધો’ ચાલે છે. યોજના આશિર્વાદરૂપ પરંતુ દર્દીઓ કરતાં પણ આ યોજના ખાનગી તબીબો અને ખાનગી હોસ્પિટલો માટે વધુ આશીર્વાદરૂપ સાબિત થઈ હોય, એવું આંકડા પરથી જણાય છે. કારણ કે, કોઈ પણ પ્રકારનો રોગચાળો ન હોય એવી સ્થિતિમાં પણ ખાનગી હોસ્પિટલોમાં PMJAY દર્દીઓની સંખ્યામાં મોટો ઉછાળો નોંધાયો છે. જે શંકાઓ પ્રેરે છે.
નવી SOPમાં સ્પષ્ટતાઓ કરવામાં આવી છે કે, જે ખાનગી હોસ્પિટલ PMJAY યોજના સાથે સંકળાયેલી હોય, તે હોસ્પિટલોએ કયાંય પણ આરોગ્ય કેમ્પ યોજવાનો હોય તો, તે બાબતે સંબંધિત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની પૂર્વ મંજૂરી લેવાની રહેશે. બિનચેપી રોગો અને અંધતા જેવી બિમારીઓ માટે, આ રીતે મંજૂરીઓ લઈ કેમ્પ યોજી શકાશે. જોઈન્ટ રિપ્લેસમેન્ટ જેવી બિમારીઓ માટે કોઈ પણ કેમ્પ યોજી શકાશે નહીં.
આ ઉપરાંત એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ રીતે મંજૂરી મેળવી લીધાં બાદ જે આરોગ્ય કેમ્પ યોજાય, તે કેમ્પમાં જિલ્લા અથવા તાલુકા કક્ષાના કોઈ એક સરકારી આરોગ્ય અધિકારીએ ઉપસ્થિત રહેવું પડશે. આ ઉપરાંત કેમ્પના લાભાર્થીઓની સંપૂર્ણ વિગતો સાથેનો રિપોર્ટ કેમ્પ આયોજકોએ જિલ્લા આરોગ્ય તંત્ર સમક્ષ સબમિટ કરવો પડશે. જેમાં દર્દીઓની બિમારીઓ, નિદાનની વિગતો સહિતની બાબતો દર્શાવવાની રહેશે. ખાનગી હોસ્પિટલોના એજન્ટ કે તબીબ આ કેમ્પમાં દર્દીઓને ફલાણી હોસ્પિટલમાં સારવાર માટે ‘ફોસલાવી’ શકશે નહીં, દબાણ કરી શકશે નહીં, સલાહ આપી શકશે નહીં.
અત્રે ઉલ્લેખનિય છે કે, વર્ષ 2021-22 માં કોરોનાની અસરો હતી છતાં PMJAY યોજનામાં સમગ્ર ગુજરાતમાં માત્ર 5.66 લાખ દર્દીઓ નોંધાયા હતાં. અને તે પેટે ખાનગી હોસ્પિટલોને સરકારે રૂ. 1,620 કરોડ ચૂકવ્યા. વર્ષ 2023-24 માં કોરોના જેવો કોઈ જ રોગચાળો ન હતો, છતાં રાજ્યમાં 12.80 લાખ દર્દીઓએ PMJAY યોજનાનો લાભ લીધો અને સરકારે હોસ્પિટલોને રૂ. 3,607 કરોડથી વધુની રકમના ચૂકવણા કર્યા. આ આંકડા શંકાઓ ઉપજાવનારા છે, એ દરમિયાન જ અમદાવાદનો ખ્યાતિકાંડ ગાજયો.(પ્રતીકાત્મક તસ્વીર)