Mysamachar.in-ગાંધીનગર:
ડિજિટલ યુગમાં સરકારી કચેરીઓને પેપરલેસ બનાવીને કાર્યક્ષમતામાં વધારો કરવાની ગુજરાત સરકારની સ્વપ્નદ્રષ્ટા પહેલ એટલે “ઇ-સરકાર”. રાજ્યની તમામ સરકારી કચેરીઓ અને વિભાગોમાં સફળતાપૂર્વક સંચાલિત ઇ-સરકાર પ્રોજેક્ટમાં વર્ષ 2021 થી 2024 સુધી ક્રિએટેડ ઇ-ટપાલ્સની અંદાજિત કુલ સંખ્યા 1 કરોડથી વધારે નોંધાઈ છે. આ ઉપરાંત અંદાજે 31 લાખથી વધુ ઈ-ફાઈલ ક્રિએટ કરવામાં આવી છે. વધુમાં, આ કામગીરીને સુવ્યવસ્થિત બનાવવા 1.20 લાખથી વધુ વપરાશકર્તાઓની નોંધણી કરવામાં આવી છે.
ઇ-સરકાર પ્લેટફોર્મમાં સમગ્ર રાજ્યના તમામ 26 સરકારી વિભાગો, ખાતાની વડી કચેરીઓ, કલેક્ટર કચેરીઓ, જિલ્લા વિકાસ અધિકારીની કચેરીઓ, મ્યુનિસિપલ કચેરીઓ તથા જિલ્લા અને તાલુકાસ્તરે વહીવટી કચેરીઓનો સમાવેશ થાય છે. ઇ-સરકારનો મુખ્ય હેતુ પરંપરાગત મેન્યુઅલ પ્રક્રિયાઓને સંપૂર્ણપણે સંકલિત ઇલેક્ટ્રોનિક ફાઇલ બનાવી અને તેના રેકર્ડ મેનેજમેન્ટ સિસ્ટમ થકી સરકારી કચેરીઓની કામગીરીને વધુ આધુનિક બનાવવાનો છે. ઇ-સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના વ્યાપક ડિજિટલ ટ્રાન્સફોર્મેશન થકી રાજ્ય સરકારના વહીવટની કાર્યક્ષમતા, પારદર્શિતા અને પ્રતિભાવને વધારવાનો છે. રાજ્ય સરકારની ઇ-સરકાર પહેલને વર્ષ 2022માં પ્રતિષ્ઠિત “સ્કોચ ઓર્ડર ઓફ મેરિટ” અને વર્ષ 2024માં “15માં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કોન્ક્લેવ” એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.
હાલમાં, રાજ્ય સરકાર દ્વારા સંચાલિત ઇ-સરકારમાં વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમ કે ડાયરેક્ટ આર.ટી.આઈ. સબમિશન હેઠળ નાગરિકો કોઈપણ ઓફિસમાં આર.ટી.આઈ. એપ્લિકેશન સીધી સબમિટ કરી શકે છે. મેટાડેટા અને ટ્રાન્ઝેક્શનલ પ્રક્રિયા દ્વારા ઝડપી અને વધુ સચોટ દસ્તાવેજની પુનઃપ્રાપ્તિ થઈ શકે છે. આ ઉપરાંત ઇ-સરકારમાં વેલીડેશન અને રિપોર્ટ્સ, CMO એક્ઝિક્યુટિવ ડેશબોર્ડ સાથે એકીકરણ, સિલેકટ ઓર્ડર ફાઇલ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે. આ પ્રોજેક્ટના માધ્યમથી રાજ્ય સરકાર દ્વારા “પેપરલેસ ગવર્નન્સ” પ્રણાલી અમલમાં લાવવામાં આવી છે, જેથી કોઈપણ રેકર્ડ અને ફાઈલો કાયમી સ્વરૂપે સાચવી શકાશે અને પારદર્શીતામાં વધારો થશે.(file image)