Mysamachar.in: દેવભૂમિ દ્વારકા
જામનગર અને દેવભૂમિ દ્વારકા તથા કચ્છ સહિતના જિલ્લાઓમાં શિક્ષકઘટ કાયમી ચિંતાઓનો વિષય રહ્યો છે. તેમાંયે દેવભૂમિ દ્વારકા અને કચ્છ છેવાડાના જિલ્લાઓ હોવાથી આ વિસ્તારોમાં શિક્ષકો નોકરી કરવાનું પસંદ કરતાં નથી, જેને કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર માઠી અસરો પહોંચી રહી છે અને વિદ્યાર્થીઓનું ભાવિ ડામાડોળ થતાં વાલીઓમાં ગંભીર ચિંતાઓ જોવા મળી રહી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિક્ષકઘટ ગંભીર મુદ્દો બની ગયો છે. ગુજરાતના અન્ય દૂરના જિલ્લાઓના શિક્ષકો દ્વારકા જિલ્લામાં નોકરી ઈચ્છતા નથી. જેને કારણે દ્વારકા જિલ્લામાં 1,100 જેટલાં શિક્ષકોની ઘટ તો અત્યાર સુધી હતી જ, તેમાં પણ તાજેતરમાં શિક્ષકોના બદલી કેમ્પ ચાલી રહ્યા છે, જેમાં શિક્ષકોને તેમની માંગણી મુજબ જિલ્લાફેર બદલીઓ આપવામાં આવી રહી છે. આ પ્રક્રિયાઓમાં દ્વારકા જિલ્લાના 345 શિક્ષકોને બદલીઓ આપવામાં આવી. જેને લીધે આ જિલ્લામાં શિક્ષકોની ઘટમાં ઉછાળો આવ્યો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 600 શાળાઓ આવેલી છે, જેમાં મંજૂર મહેકમ મુજબ 3,120 શિક્ષક હોવા જોઈએ, તેની સામે આ બદલીઓ પછી જિલ્લામાં શિક્ષકઘટ વધીને 1,450 થઈ ગઈ છે. શિક્ષકોની આટલી તોતિંગ ઘટને કારણે દ્વારકા જિલ્લામાં ગંભીર સમસ્યા ઉભી થવા પામી છે. આ સ્થિતિમાં ‘ભણે ગુજરાત’ સૂત્રની દ્વારકા જિલ્લામાં સ્થિતિ કફોડી બની ગઈ.
જિલ્લાફેર બદલીઓની માંગણી સંબંધે દ્વારકા જિલ્લામાંથી 584 શિક્ષકોને છૂટા કરવાના હુકમ થયા છે, જે પૈકી 345 શિક્ષક તો છૂટાં થઈ પણ ગયા. હજુ 200થી વધુ શિક્ષકોને છૂટાં કરવાના રહેશે. આથી શિક્ષકઘટ વધુ તીવ્ર બનશે. આમ દ્વારકા જિલ્લામાં શિક્ષકઘટ આશરે 50 ટકા જેટલી ગણી શકાય. આ સ્થિતિઓમાં અમુક શાળાઓ તો માત્ર એકાદ-બે શિક્ષકોથી ચલાવવી પડે તેવી ચિંતાપ્રેરક સ્થિતિઓ છે. આમાં વિદ્યાર્થીઓના શિક્ષણનું શું થશે ?!
અત્રે ઉલ્લેખનિય છે કે, શિક્ષકઘટ મામલે દેવભૂમિ દ્વારકા જિલ્લા જેવી ગંભીર સ્થિતિઓ કચ્છ જિલ્લામાં પણ છે. કચ્છમાં આ મુદ્દે રાજકીય સળવળાટ શરૂ થયાનું જાણવા મળે છે. કચ્છમાં નેતાઓ આ સ્થિતિઓ મુદ્દે ગંભીર બન્યા છે. આગામી મહિનાઓમાં કચ્છના નેતાઓ રાજ્ય સરકાર પર તથા શિક્ષણ વિભાગ પર દબાણ લાવશે, એવા પણ અહેવાલો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિક્ષકઘટ મામલે આગામી સમયમાં કોઈ હકારાત્મક ગતિવિધિઓ તેજ થાય છે કે કેમ, તે હવે ખબર પડશે.