Mysamachar.in-રાજકોટ:
જામનગર સહિત રાજ્યભરમાં ગુનાખોરી મુદ્દે અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિઓ અંગે, સામાન્ય માણસનો અભિપ્રાય શું છે, તે દરેક સામાન્ય માણસ જાણે છે. આ બાબતે રાજ્યના પોલીસવડા વિકાસ સહાય કહે છે: રાજ્યમાં ગુનાખોરી ઘટી છે, એમણે આ તકે આંકડા પણ આપ્યા. પરંતુ ગઈકાલે શુક્રવારે રાજકોટમાં રાજ્યકક્ષાની જે ક્રાઈમ કોન્ફરન્સ DGP ની અધ્યક્ષતામાં યોજાઈ ગઈ તેમાં પોલીસમાં થતી અરજીઓ અને FIR નોંધવાનું ટાળી ક્રાઈમ રેટ ઘટેલો દેખાડવાની પોલીસતંત્રની ‘મોડસ ઓપરેન્ડી’ વધુ એક વખત ચર્ચાઓમાં આવી.
રાજકોટમાં DGP વિકાસ સહાયના વડપણ હેઠળ રાજકોટમાં રાજ્યકક્ષાની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ ગઈ. સમગ્ર રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. આ બેઠકમાં રાજ્યના પોલીસ વડાએ પોલીસની કામગીરીઓ અંગે સંતોષ વ્યકત કર્યો. ટૂંકમાં, ગુજરાત પોલીસ પોતાના પર ગૌરવ લઈ શકે, એવી સ્થિતિઓ DGP ના મતે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ જ રીતે બધાં રેન્જ IG પણ જામનગર સહિતના જિલ્લામથકોએ ઈન્સ્પેક્શનમાં જતાં હોય છે ત્યારે, સ્થાનિક પોલીસતંત્રની પીઠ થાબડતા રહે છે. પોલીસની ‘ખુદની પીઠ ખુદના હાથે થાબડવાની ‘ આ મોડસ ઓપરેન્ડી કોઈથી અજાણ નથી. રાજકોટમાં પણ આમ જ થયું. ગુજરાત પોલીસ અભિનંદનને પાત્ર છે- એ મતલબનો આડકતરો ઈશારો રાજ્યના પોલીસવડાએ કર્યો.
આ સાથે જ આ ક્રાઈમ કોન્ફરન્સના કારણે એ મુદ્દો પણ ચર્ચાઓમાં આવ્યો કે, પોલીસ બને ત્યાં સુધી FIR નોંધવાનું ટાળે છે. જેથી ગુનાઓની સંખ્યા ઘટી છે તેમ રેકર્ડના આધારે કહી શકાય. FIR નોંધવાને બદલે ફરિયાદઅરજીને માત્ર અરજી તરીકે જ રાખી શકાય ? આ પ્રશ્ન પત્રકારો દ્વારા આ ક્રાઈમ કોન્ફરન્સમાં પૂછાયો ત્યારે, રાજ્યના પોલીસવડાએ આ બાબતમાં ઉંડા ઉતરવાનું ટાળી દીધું. અને, માત્ર ‘હા’ એટલું જ બોલ્યા.
દરમિયાન, રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં હાલ એ ચર્ચાઓ છે કે, જે ગુનો કોગ્નીઝેબલ હોય એટલે કે બિનજામીનપાત્ર હોય, તેવા ગુનામાં પોલીસ માત્ર અરજીઓ ન લઈ શકે. પોલીસે FIR દાખલ કરવી જ પડે. અને જો, આ પ્રકારના મામલાઓમાં પોલીસ FIR દાખલ ન કરે તો- તે પોલીસકર્મી વિરુદ્ધ IPCની કલમ-166(એ) મુજબ ફરિયાદ દાખલ કરાવી શકાય અને આ પોલીસકર્મી વિરુદ્ધ ખાતાંકીય તપાસ પણ હાથ ધરી શકાય. વડી અદાલતમાં પ્રેક્ટિસ કરતાં એડવોકેટ જે.બી.વાજાએ કાલે શુક્રવારે આમ જણાવ્યું.