Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
ફલાણા સમયે, ફલાણી જગ્યાએ, બે ફલાણા ફલાણા વાહનો વચ્ચે અકસ્માત અથવા રાહદારીને કચડી નાંખતું અજાણ્યું વાહન- આ પ્રકારના દુ:ખદ સમાચારો રોજિંદા બની ગયા છે. આ પ્રકારના સમાચારોમાં નિર્દોષોના મોતની સંખ્યા એક,બે,પાંચ કે દસ પણ હોય છે. આ પ્રકારના સમાચાર વાંચી લીધાં પછી, અમુક સમય સુધી સૌ અરેરાટી અને શોક અનુભવે, પછી બીજો અકસ્માત સર્જાય ત્યાં સુધી સૌ આ અકસ્માતને ભૂલી જાય ! તેનો અર્થ એવો થાય ? કે, ડ્રાઇવિંગ લાયસન્સ એટલે કોઈને પણ, ગમે ત્યાં મારી નાંખવાનો પરવાનો ?! અને, એથીયે ગંભીર અને સંવેદનશીલ મુદ્દો એ છે કે- અકસ્માતો અટકાવવાની જવાબદારીઓ કોઈને સોંપવામાં આવી છે કે નહીં ?! અને જો, કોઈને આ જવાબદારીઓ સોંપવામાં આવી છે, તો આ જવાબદારો ક્યાં મરચાં ખાંડે છે ?! એવો પ્રશ્ન લોકો આક્રોશ સાથે પૂછી રહ્યા છે. અને, સાથેસાથે લોકો એ કોમેન્ટ પણ કરે છે કે, ચૂંટાયેલા પ્રતિનિધિઓએ અકસ્માતો અટકાવવા અત્યાર સુધીમાં કોઈ નક્કર કામગીરીઓ કરી હોય તો, લોકો સમક્ષ જાહેર કરવી જોઈએ.
જામનગર શહેર અને જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ધડાધડ અકસ્માતો સર્જાઈ રહ્યા છે, નિર્દોષ નાગરિકોના ટપોટપ મોત થઈ રહ્યા છે, હજારો પરિવારો આથી વેરણછેરણ થઈ રહ્યા છે. હજારો લોકો કાયમી રીતે અપંગ બની રહ્યા છે. અકસ્માતોને કારણે હજારો લોકોના સમય, શક્તિ અને નાણાં તથા જિંદગીઓ વેડફાઈ રહ્યા છે, જેની કોઈ જ જવાબદારોને ચિંતાઓ નથી- જામનગર, ગાંધીનગર અને છેક દિલ્હી સુધી !
ખુદ કેન્દ્રીય પરિવહન મંત્રી નિતીન ગડકરીએ જાહેરમાં બોલવું પડે છે કે, અકસ્માત બાબતે આપણો રેકોર્ડ એટલી હદે ખરાબ છે કે- આ અંગેના વૈશ્વિક મંચો પર હું કોઈને મોઢું દેખાડી શકતો નથી. અહીં પ્રશ્ન એ છે કે, સરકાર- ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મીઠડી વાતો કરતાં અધિકારીઓ અકસ્માતોની તથા મોતની સંખ્યા ઘટાડવા કરે છે શું ?! જિલ્લામથકોએ માર્ગ સલામતી સંબંધે નિયમિત બેઠકો યોજાઈ રહી છે- જેમાં ગોળગોળ વાતો થઈ રહી છે, ચા-કોફી અને બિસ્કિટ સર્વ થઈ રહ્યા છે- બસ, કામ પૂરૂં !! ચૂંટાયેલા પ્રતિનિધિઓએ નઠોર અને કઠોર અધિકારીઓના કાન મરડવા જોઈએ, નથી મરડવામાં આવતાં- પરિણામે નિર્દોષ લોકોનો અકસ્માતોમાં બલિ ચડતો રહે છે!
દ્વારકા પંથકમાં એક ટ્રક ધસમસતો રોંગ સાઈડમાં આવ્યો અને એક બાઈકસવાર દંપતિને કચડી માર્યું ! ભાવનગર નજીક આવા જ એક અકસ્માતમાં બે સગીરો ટ્રકના રાક્ષસી પૈડાં નીચે કચડાઈ મર્યા! જામનગરમાં તાજેતરમાં 36 કલાકમાં 3 જિંદગીને વાહનોએ કચડી નાંખી. સાથે કમનસીબ હકીકત એ છે કે, પ્રાણઘાતક અકસ્માતો સર્જનારને કોઈ ફાંસીને માંચડે ચડાવી દેતું નથી. ત્રીજી આંખ હોવાનો ફાંકો મારતા કરોડોના ખર્ચે લગાવાયેલા કેમેરા આંધળા, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરો અખબારી યાદી પર જીવતા સરકારી વિભાગો છે, જે સસ્તી પ્રસિદ્ધી માટે વલખાં મારે છે. અકસ્માત બાદ સ્થાનિક પોલીસની ભૂમિકાઓ કયારેય શંકાઓથી પર રહેતી નથી. ટૂંકમાં, સર્વત્ર અંધેર ! અને તેથી, નિર્દોષ લોકોનો રાતદિવસ ભોગ લેવાઈ રહ્યો છે. જવાબદારોના હ્રદયમાં સુશાસનની સરવાણી ફૂટે કે ન ફૂટે- માનવતાનું ઝરણું કયારે ખળખળ વહેતું થશે ?? (symbolic image)