Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના હસ્તે જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે અદ્યતન એક્સરે મશીન, માઈક્રોસ્કોપ્સ , ટુનાટ મશીનનું અનાવરણ કરવામાં આવ્યું હતું. તેમજ ટીબીના દર્દીઓ માટે કામગીરી કરતા કર્મચારીઓને મોબાઈલ ટેબલેટ સોંપવામાં આવ્યા હતા. જેથી કરીને દર્દીઓનો તમામ ડેટા સ્ટોર કરવામાં અનુકુળતા રહે અને કામગીરી ઝડપી થઇ શકે.
જીલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં અધ્યતન મશીનરીનું અનાવરણ કરતા જીલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, ક્ષય કેન્દ્રની ટીમ દ્વારા સંતોષકારક કામગીરી કરાઈ રહી છે. એક્ટીવ કેસોને શોધી કાઢવાથી લઈને તેમની યોગ્ય સમયે સારવાર કરવામાં આવતા નવા કેસો અટકી શકે છે. જીલ્લામાં વર્ષ ૨૦૨૨ સુધીમાં નવા કેસોમાં 40% જેટલો ઘટાડો જોવા મળતા જામનગરને રાષ્ટ્રીય કક્ષાએ સિલ્વર મેડલ પણ આપવામાં આવ્યો હતો. નિક્ષય પોષણ યોજના અંતર્ગત ‘ટીબી હારેગા, દેશ જીતેગા’ અભિયાન હેઠળ વર્ષ-2025 સુધી ટીબી નાબૂદીના લક્ષ્યાંકને પાર પાડવા ટીબીના દર્દીઓને પોષણયુક્ત આહાર મળી રહે તે હેતુથી દર મહીને રૂ.500ની સહાય ડીબીટીના માધ્યમથી દર્દીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે ટીબીના દર્દીઓને પોષણ કીટ એનાયત કરવામાં આવી હતી. ત્યારબાદ સરકાર દ્વારા ટીબીના દર્દીઓ માટે કરાઈ રહેલ કામગીરી અંગે લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.