Mysamachar.in-જામનગર:
ફ્રેન્ચ શબ્દ બજેટ અને તેનું ગુજરાતી અંદાજપત્ર- આ બંને શબ્દો વાંચવા અને લખવામાં ભારેખમ છે પરંતુ વિપક્ષ અને મીડિયા કહે છે એમ અંદાજપત્રો માત્ર શબ્દો અને આંકડાની માયાજાળ અને રમતો હોય છે. શાસકો પ્રચાર માટે ભલે બજેટ શબ્દનો ઉપયોગ કરે પરંતુ લોકોને પણ હવે ખ્યાલ આવી ગયો છે કે, અંદાજપત્રને બહુ ગંભીરતાથી લેવાની કોઈ જરૂર રહેતી નથી.
જામનગર મહાનગરપાલિકા દર વર્ષે અંદાજપત્ર રજૂ કરે છે ત્યારે, સુંદર શબ્દોમાં ઘણી બધી બાબતોની જાહેરાત થતી હોય છે પણ પછી એ વર્ષ પૂર્ણ થવાની તૈયારીઓ હોય ત્યારે પણ- બજેટની ઘણી વાતો માત્ર વાતો જ સાબિત થતી હોય છે. વર્ષ 2024-25ના બજેટમાં ઘણી જાહેરાતો થયેલી જે પૈકી સંખ્યાબંધ જાહેરાતોને આજે પણ અમલી જામા પહેરાવી શકાયા નથી. જેને કારણે ઘણાં બધાં પ્રોજેક્ટસ આજે પણ બજેટબુકમાં જ પડ્યા છે.
વર્ષ 2024-25ના મહાનગરપાલિકાના બજેટમાં જે જાહેરાતો થયેલી તે પૈકીની આ જાહેરાતો આજે ડિસેમ્બર પૂર્ણ થવા આવ્યો ત્યાં સુધી અમલી બની શકી નથી. અને, હવે પછીના 3 મહિનાઓ એટલે કે, આ નાણાંકીય વર્ષના અંતિમ ક્વાર્ટરમાં તો મહાનગરપાલિકા તંત્ર અન્ય કામોમાં વ્યસ્ત રહેશે.
સમર્પણ જંકશન સર્કલ, ઠેબા ચોકડી ફ્લાય ઓવર, રિવરફ્રન્ટ પ્રોજેક્ટ, પવનચકકીથી લાલપુર બાયપાસ સુધીના ગૌરવપથ, હાપા ખાતે ઈલેક્ટ્રીક બસીઝ ચાર્જિંગ સ્ટેશન, મલ્ટીપર્પઝ ઓડિટોરીયમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, ક્રિકેટ ગ્રાઉન્ડ, ફૂટબોલ મેદાન, બે નવા ફાયર સ્ટેશન, ત્રીજું સ્મશાન, અદ્યતન શાક માર્કેટ, નવા ઢોર ડબ્બા- એમ સંખ્યાબંધ કામો, બજેટમાં જોગવાઇ અને જાહેરાત છતાં આજની તારીખે શરૂ થઈ શક્યા નથી. નગરજનો અપેક્ષાઓ રાખે છે કે, આ વર્ષે ‘વાસ્તવિક’ બજેટ રજૂ થાય, કલ્પનાના ભપકદાર રંગોનો નગરજનોને ખપ નથી.